આજની યુવાપેઢી ઝડપથી બદલતી દુનિયામાં જીવી રહી છે. આ વિકસતી દુનિયામાં વિકલ્પો તો ઘણાં છે, પણ દિશા સ્પષ્ટ નથી. અહીં માહિતી તો ભરપૂર છે, પણ નિર્ણય શક્તિ ઓછી છે. આવા જ દેશમાં એક ભારતીય સૈનિક પાસે માત્ર એક જ લક્ષ્ય હોય છે એ છે રાષ્ટ્ર્રની ખડે પગે રક્ષા. આ સ્પષ્ટતા જ તેને અડગ બનાવે છે. આર્મી યુવાનોને એ જ શીખવે છે કે જો જીવનમાં સ્પષ્ટતાના હોય તો શક્તિ વ્યર્થ જાય છે. તેમજ જો પોતાના જીવનનું લક્ષ્ય સ્પષ્ટ હોય તો તો સામાન્ય માણસ પણ અસામાન્ય બની શકે છે. દર વર્ષે 15 જાન્યુઆરીએ “ઈન્ડિયન આર્મી ડે” ઉજવાય છે.
ભારતીય સેનાનું જીવન જરા પણ સરળ નથી. તેમનું જીવન સતત જોખમ, ત્યાગ અને જવાબદારીઓથી ભરેલું હોય છે. જેમ કે, દરેક સૈનિકો કઠોરથી પણ કઠોર પરિસ્થિતિઓમાં કામ કરે છે, પોતાના પરિવારથી દૂર રહે છે, આટલું જ નહીં પોતે પોતાની વ્યક્તિગત સુખ સગવડો કે શોખ પણ દેશ માટે ત્યાગે છે. પોતે ફરજની ભાવનાથી દેશ માટે સેવા આપે છે. સૈનિકો યુવાનોને મહત્વનો પાઠ આપે છે કે, જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સંઘર્ષ અને ત્યાગ અનિવાર્ય છે. આજે યુવાનોને ઝડપી સફળ બનવું છે. સેનાનું જીવન જ બતાવે છે કે સફળતા માટે સતત મહેનત, ધીરજ અને શિસ્ત વિના કોઈ લક્ષ્ય પ્રાપ્ત થતું નથી.
માણસનું ઘડતર અનુશાસનથી જ થાય છે, પરંતુ આજના બાળકો અનુશાસનને બંધન માને છે, જયારે ભારતીય મજબૂત સેના બતાવે છે કે અનુશાસન માણસને તોડતું નથી, પણ ઘડે છે. જીવનમાં સમયનું પાલન, શારીરિક અને માનસિક કસોટી, નિયમો પ્રત્યે સન્માન આ બધા પરિબળો યુવાનોને જીવનના દરેક પડાવમાં જીતવા માટે તૈયાર કરે છે. આજનો યુવાન નિષ્ફળતાથી ડરે છે, સમાજના નિયમો અને નિર્ણયોથી ડરે છે, તો વળી ક્યારેક પોતાની ક્ષમતાથી જ ડરી જાય છે. ભારતીય સેના દર્શાવે છે કે ડર એ કોઈ દુશ્મન નથી, ડર સામે હિંમત ઊભી કરવી એ જ વિજય છે.
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા સૌથી પહેલાં ’હું’ માંથી ’અમે’ બનવું પડે. સ્વાર્થ નહીં પણ સેવાનો ભાવ રાખવો પડે જેવી અનેક નાની પણ મહત્વની સીડીઓ જે ચડી શકે એ જ વ્યક્તિ બધા પરિબળો સામે ટક્કર ઝીલી શકે. મજબૂત શરીર કરતાં મજબૂત મન અત્યંત જરૂૂરી છે. આત્મવિશ્વાસ એ જ સફળતા છે. માર્ગમાં આવતી મુશ્કેલીઓ સામે ડરવાને બદલે ધીરજતાથી વિચારપૂર્વક અને હિંમતભર્યો નિર્ણય લેવો જરૂૂરી છે.
“જયારે હિંમત આદત બની જાય ત્યારે પરિસ્થિતિઓ આપમેળે બદલાય છે.”
દરેક ભારતીય સૈનિક જેવી નિષ્ઠા, અનુશાસન અને સમર્પણ જીવનમાં લાવે તો ભારતને ઉજળું બનતા કોઈ નહીં રોકી શકે. “ઈન્ડિયન આર્મી ડે” એ માત્ર ઉજવણી જ નહીં પણ દરેક યુવાનોને જાગૃત કરતો એક બુલંદ અવાજ છે કે, ઉઠો જવાબદારી લો તેમજ દેશની રક્ષા કાજ ભવિષ્યમાં સૈનિક બનો. ભલે વર્દી પહેરીને નહીં પણ વિચારો, કર્મ અને ઈમાનદારીથી સૈનિક બનો. આ દિવસ લોકોને પૂછે છે કે, શું આપણે આપણા અધિકારો પર જેટલા જાગૃત છીએ એટલી જ ગંભીરતાથી આપણા ભાગે આવતી ફરજો નિભાવી રહ્યા છીએ?
સૈનિકો દેશપ્રેમને શબ્દોમાં નહીં, પણ કાર્યમાં વ્યક્ત કરે છે. યુવાનોમાં દેશપ્રેમનો અર્થ છે કે, ઈમાનદારીથી સંપૂર્ણ અભ્યાસ કરવો, પછી તે ગમે તે પરીક્ષા હોય કે રિઝલ્ટ, ઘરમાં હોય કે સમાજમાં કે કોઈ ક્ષેત્રમાં દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું, સામાજિક શિસ્ત અવશ્ય જાળવવી તેમજ રાષ્ટ્રના વિકાસમાં સકારાત્મક વિચારોનો ફાળો આપવો. દરેક ભારતીય પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તો રાષ્ટ્રની શક્તિ અનેકગણી વઘી શકે છે.
