અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધને કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી છે અને ક્રૂડ ઓઇલના ભાવ 100થી 120 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે. આ સંકટ વચ્ચે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અને G7 દેશોએ તેલની કિંમતોને નિયંત્રિત કરવા માટે રણનીતિક તેલ ભંડાર જાહેર કરવાની અપીલ કરી છે. પરંતુ ભારતે આ અપીલને સ્પષ્ટ રીતે નકારી કાઢી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, “સંકટ અમારી ભૂલ નથી. જવાબદાર લોકોએ તેનો સામનો કરવો પડશે અને કિંમતો ઘટાડવા માટે પરિસ્થિતિઓ બનાવવી પડશે.” ભારત IEAનો પૂર્ણ સભ્ય નથી, માત્ર સહયોગી સભ્ય છે, તેથી તે આવા નિર્ણયમાં બંધાયેલું નથી. ભારતની નીતિ ’ભારત ફર્સ્ટ’ છે અને રણનીતિક ભંડાર ફક્ત ઇમરજન્સીમાં જ વાપરવામાં આવશે, જેમ કે આપૂર્તિમાં વિક્ષેપ આવે તો.
ભારત પાસે ત્રણ સ્થળોએ 5.33 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાવાળા ભૂગર્ભ રણનીતિક ભંડાર છે, જે હાલમાં 80% ભરેલા છે (લગભગ 4 મિલિયન ટન). 2021માં અમેરિકાના નેતૃત્વમાં ભારતે 5 મિલિયન બેરલ તેલ જાહેર કર્યું હતું, પરંતુ આ વખતે તેમ કરવાનું નથી. સરકારે જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ અને LPGનો પર્યાપ્ત સ્ટોક છે અને ઇંધણ નિર્યાત પર પ્રતિબંધની કોઈ યોજના નથી.
G7 દેશોના નાણામંત્રીઓની ઓનલાઈન બેઠકમાં ઈંઊઅએ સમન્વિત રીતે ભંડાર જાહેર કરવાની અપીલ કરી હતી. જાપાનના નાણામંત્રી સાત્સુકી કાતાયામાએ કહ્યું કે, IEAએ દરેક દેશને તેલ ભંડાર સમન્વિત રીતે જાહેર કરવાની અપીલ કરી છે.” G7એ ઊર્જા બજાર પર નજર રાખવા અને જરૂૂરી પગલાં લેવાની વાત કરી છે, જેમાં ઊર્જા મંત્રીઓની બેઠક પણ યોજાશે.
IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલ ભારતીય અધિકારીઓ સાથે વાત કરશે.
આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજાર પર અસર પડી શકે છે, પરંતુ ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપી છે. યુદ્ધ ચાલુ રહેશે તો તેલના ભાવ વધુ વધી શકે છે, જે ભારત જેવા આયાતકાર દેશો માટે પડકારરૂૂપ બનશે.
