આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં ભાષણ આપ્યું હતું. લાંબી ચર્ચા પછી તેમણે ગૃહને સંબોધન કર્યું હતું. રાહુલે માત્ર અમેરિકા પર જ નહીં પણ કેન્દ્રની મોદી સરકાર પર પણ પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે અમેરિકાના દબાણ હેઠળ વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, અને જો ભારત તેનું પાલન નહીં કરે તો તે ફરીથી ટેરિફ વધારશે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ભારતના ડેટા પર નજર રાખી રહ્યું છે. રાહુલે કહ્યું કે અમારો ડેટા વેચાઈ ગયો છે, ખેડૂતો વેચાઈ ગયા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલને જવાબ આપતા કહ્યું કે ક્યારેય કોઈ એવું જન્મ્યું નથી જે આ દેશને વેચે. “તમારા શબ્દોનો કોઈ અર્થ નથી,” તેમણે કહ્યું. “કોંગ્રેસ હંમેશા દેશને નબળો પાડવા માંગે છે.”
https://x.com/i/broadcasts/1YqxoloOAvzKv
રાહુલ ગાંધીએ માર્શલ આર્ટના ઉદાહરણથી શરૂઆત કરતા કહ્યું કે, લડાઈ પકડ(ગ્રીપ)થી શરૂ થાય છે અને પછી ‘ચોક'(ગળું દબાવવા) સુધી પહોંચે છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે ભારત હાલમાં એક ખતરનાક અને અનિશ્ચિત વિશ્વમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકારને ઘેરતા કહ્યું કે અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? અમારું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે મોદી સરકારે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનું ટેરિફ ત્રણ ટકાથી વધારીને 18 ટકા કરી દીધું છે. પીએમ મોદી હવે ડરી રહ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કર્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. આ સાથે રાહુલે અદાણીનું નામ લીધું. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોઈ સાધારણ બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે. તેનો ટારગેટ પીએમ છે અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાયનાન્શિયલ સ્ટ્રક્ચર છે. રાહુલે આ દરમિયાન અનિલ અંબાણીનું નામ પણ લઈને કહ્યું કે તેઓ જેલમાં કેમ નથી? તેનું પણ કારણ છે એપસ્ટિન ફાઈલ. હરદીપ સિંહ પુરી મંત્રી છે. તે આ ગૃહના સભ્ય છે. તેના પર રિજિજુએ વાંધો ઊઠાવ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે તમામ ડેટા હેન્ડ ઓવર કરી દીધો છે. આપણા ખેડૂતોને અમેરિકાના ખેડૂતો સામે સરન્ડર કરાવી દીધું. જે કંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘આજે ડેટા સૌથી મોટી સંપત્તિ છે અને તે AI માટે પેટ્રોલ સમાન છે. અમેરિકાને પોતાનું સુપરપાવર સ્ટેટસ અને ડોલરનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય ડેટાની સખત જરૂર છે. જો વિપક્ષ સત્તામાં હોત અને ટ્રમ્પ સાથે નેગોશિયેટ(વાટાઘાટો) કરતું હોત, તો સૌથી પહેલી શરત ભારતના ડેટાની સુરક્ષાની હોત.’ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘અમે એવી રીતે ડીલ ન કરત કે જાણે આપણે તમારા સેવક હોઈએ.’
અમારી સાથે પાકિસ્તાન જેવું વર્તન કરવામાં આવશે નહીં – રાહુલ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારી સાથે પાકિસ્તાન જેવું વર્તન કરવામાં ન આવે. ભારતની શક્તિ તેનો ડેટા અને તેના લોકો છે.જોકે એ વાતનો અફસોસ છે કે સરકારની હાલની નીતિઓમાં આ દૂરદર્શિતાનો અભાવ દેખાઈ રહ્યો છે.’
