T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીત

  ઈશાનના રન રમખાણ બાદ સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોની હાલત બગાડી, ભારત સુપર-8 માટે કવોલિફાય   ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 માટે…

 

ઈશાનના રન રમખાણ બાદ સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોની હાલત બગાડી, ભારત સુપર-8 માટે કવોલિફાય

 

ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-એની મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રનથી પરાજય આપ્યો હતો. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ જીત મેળવવા માટે પૂરતો હતો, કારણ કે પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

ભારતીય ટીમની T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ 9 મેચોમાં 8મી જીત છે. સાથે જ T20 વર્લ્ડ કપમાં ભારતનો જીતનો સિલસિલો સતત 11 મેચો સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ગત T20 વર્લ્ડ કપમાં ભારતે સતત 8 મેચ જીતી હતી, જ્યારે ચાલુ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી લીધી છે. પાકિસ્તાન સામે ભારતની બેટિંગ એટલી ખાસ નહોતી, પણ બોલિંગ અદભૂત રહી હતી. ટીમ ઈન્ડિયાની જીતના આ 5 મુખ્ય કારણો રહ્યા હતા.

ભારતની જીતના ઓપનર ઈશાન કિશન રહ્યા. ભારતે અભિષેક શર્માની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી, ત્યારબાદ ઈશાન કિશને તોફાની બેટિંગ કરીને ભારતને મજબૂત લય અપાવી હતી. ઈશાને 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 40 બોલમાં 77 રન બનાવ્યા. ઈશાને તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે 87 રનની પાર્ટનરશિપ કરી હતી.

હાર્દિક પંડ્યા ભલે બેટિંગમાં ખાતું ખોલાવી શક્યો નહીં, પરંતુ બોલિંગમાં તેણે પહેલા જ ઓવરમાં કમાલ કરી દીધી. હાર્દિકે ફોર્મમાં ચાલી રહેલા સાહિબઝાદા ફરહાનને શૂન્ય રને આઉટ કર્યો હતો. હાર્દિકે પ્રથમ ઓવરમાં વિકેટ લઈને પાકિસ્તાન પર એવો દબાણ બનાવ્યું જે મેચના અંત સુધી જોવા મળ્યું હતું. મેચની છેલ્લી વિકેટ પણ હાર્દિકે જ લીધી હતી.

જસપ્રીત બુમરાહને જો શરૂૂઆતની ઓવરમાં વિકેટ મળી જાય, તો વિરોધી ટીમ માટે મેચ જીતવી મુશ્કેલ બની જાય છે. બુમરાહે પાકિસ્તાની ઇનિંગની બીજી ઓવરમાં પહેલા સૈમ અયુબને આઉટ કર્યો અને ત્યારબાદ તે જ ઓવરના છેલ્લા બોલે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાને પેવેલિયન ભેગો કર્યો. આ ડબલ ઝટકાથી પાકિસ્તાની ટીમ દબાણમાં આવી ગઈ હતી.

ભારતીય સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોને રન બનાવવા માટે તરસાવી દીધા હતા. અક્ષર પટેલે બે મહત્વની વિકેટ ઝડપી, જેમાં બાબર આઝમ અને સેટ થયેલા ઉસ્માન ખાનનો સમાવેશ થાય છે. ત્યારબાદ કુલદીપ યાદવ, તિલક વર્મા અને વરુણ ચક્રવર્તીની ફિરકી સામે પાકિસ્તાની બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા.
ભારત માટે ટોસ હારવો પણ ફાયદાકારક સાબિત થયો. પાકિસ્તાને ભારતને ઓછા સ્કોર પર રોકવા માટે પહેલા બોલિંગ પસંદ કરી હતી, પરંતુ જેમ જેમ મેચ આગળ વધી તેમ બેટિંગ કરવી મુશ્કેલ બની ગઈ. પિચ ધીમી હતી જે સ્પિનરો અને પેસર્સ માટે મદદરૂૂપ બની. મેદાન પર ઝાકળ ન હોવાને કારણે ભારતીય બોલરોને બોલિંગ કરવામાં કોઈ મુશ્કેલી પડી નહીં.

આ પીચ પર પ્રથમ બેટિંગ કરવી એ ઉત્તમ વિકલ્પ : સુર્યકુમાર
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, કેપ્ટન સૂર્યાએ કહ્યું કે આ પીચ પર પહેલા બેટિંગ કરવી એ શ્રેષ્ઠ વિકલ્પ હતો. પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જ્યારે ટોસ સમયે કેપ્ટન સૂર્યાનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ પહેલા બેટિંગ કરવા માંગે છે, અને ટોસ હાર્યા પછી પણ તેમને આવું કરવાની તક મળી. મેચ પછી, સૂર્યાએ કહ્યું કે ઇશાન કિશન શાનદાર બેટિંગ કરે છે અને છેલ્લી કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઇશાન કિશન વિશે, સૂર્યાએ કહ્યું કે તે આજે પણ એ જ રીતે બેટિંગ કરે છે અને અહીં આવીને ટીમને આગળ લઈ જાય છે. મેચ પછી ઇશાન કિશનની પ્રશંસા કરતા, સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેમને લાગ્યું કે ઇશાન વિકેટ ગુમાવ્યા પછી બોક્સની બહાર વિચારતો હતો. તેણે પાવરપ્લેને જે રીતે હેન્ડલ કર્યો તે પ્રશંસનીય હતું. તે અદ્ભુત હતું. મને લાગે છે કે અમે પાવરપ્લેમાં ઘણા આગળ હતા. પિચ અંગે, સૂર્યાએ કહ્યું કે 7 થી 15 ઓવર વચ્ચે થોડી મુશ્કેલ હતી. સૂર્યાએ સ્વીકાર્યું કે આ પિચ પર 175 રનનો સ્કોર ખૂબ જ સારો હતો.

‘જલવા હૈ હમારા’, ઈશાન કિશન સોશિયલ મીડિયામાં વાયરલ
પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને 77 રન મારીને 10 ચોગ્ગા અને 3 સિક્સ મારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 192.50 જોવા મળ્યો હતો. ઈશાન કિશનની આ પારીને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનની મજા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ ઘણા મીમ્સ વાયરલ થયા છે. જેને લઈને ઈશાન કિશન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક યુઝરે ઈશાન કિશનને મિર્ઝાપુરના મુન્ના ભૈયા સાથે સરખાવ્યો તો અન્ય એક યુઝરે તેને ગોલમાલના વસૂલી ભાઈના રૂૂપમાં દર્શાવ્યા જેમાં તેઓ કોહલીની તસવીર સામે નમન કરી રહ્યા છે. ઈશાન કિશને જ્યારથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે, ત્યારથી તેનું પર્ફોર્મન્સ ઘણું શાનદાર રહ્યું છે જે લોકોને ઘણું પસંદ આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *