રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂૂ. 300થી વધારીને હવે રૂા. 450 આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે. ગૃહ વિભાગના વર્ષ 2018 ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂા.300 ચૂકવવામાં આવતા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂૂ. 450 કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે 10,000 થી વધુ ટી.આર.બી. જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.
