ગુજરાત સરકારે એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. ગુજરાત સરકારે એલોન મસ્કની ‘સ્પેસએક્સ’ (SpaceX)ની પેટાકંપની ‘સ્ટારલિંક’ (Starlink) સાથે પરસ્પર સહયોગ માટેના કરાર કર્યા છે. એલોન મસ્કની કંપની હવે ગુજરાતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોને ડિજિટલ દુનિયા સાથે જોડશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ (LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટો ‘માઈલસ્ટોન’ સાબિત થશે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના એવા દુર્ગમ વિસ્તારોમાં ‘હાઈ-સ્પીડ કનેક્ટિવિટી’ પહોંચાડવાનો છે જ્યાં મોબાઈલ ટાવર નેટવર્ક ઓછું છે અથવા નથી.
સરકારના આયોજન અનુસાર શરૂઆતમાં નર્મદા અને દાહોદ જેવા ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ’ અને આદિવાસી વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ‘પાયલોટ પ્રોજેક્ટ’ સફળ થયા બાદ તેને અન્ય વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.
સરકાર અને સ્ટારલિંક વચ્ચેના આ ગઠબંધનથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ આવશે. અંતરિયાળ ગામોની સરકારી શાળાઓને ‘સ્માર્ટ કનેક્ટિવિટી’ થી જોડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ મેળવી શકે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને હાઈ-સ્પીડ નેટવર્કથી જોડીને ‘ટેલિ-મેડિસિન’ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ કરાર મહત્વનો છે. પોલીસ આઉટપોસ્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ અને વન્યજીવ અભયારણ્યોમાં ‘રિયલ ટાઈમ ડેટા’ (Real Time Data) માટે મજબૂત નેટવર્ક ઉભું કરાશે. ‘ઈ-ગવર્નન્સ’ (E-Governance) ના માધ્યમથી કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને ઝડપથી મળશે. ગુજરાતના ‘જીઆઈડીસી’ (GIDC) પાર્ક્સ અને મેરિટાઈમ સેક્ટરમાં પણ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં સ્ટારલિંક ઈન્ડિયાના હેડ પ્રભાકર જયકુમાર અને ગુજરાત સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે દસ્તાવેજોની આપ-લે કરી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારના આ પગલાથી ગુજરાત ડિજિટલ ક્રાંતિમાં દેશનું નેતૃત્વ કરશે તે નક્કી છે.
