બાંગ્લાદેશમાં તારિક અનવરની સરકારની આજે શપથવિધિ થવાની છે ત્યારે બીજી તરફ તારિકની બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ની મુખ્ય હરીફ જમાત-એ-ઈસ્લામીએ 32 બેઠકો પર ફરી મતગણતરીની માગ કરી છે. આ તમામ બેઠકો પર જમાત જીતી જાય તો પણ કોઈ ફરક પડવાનો નથી પણ જમાત ચૂંટણીમાં ગયેલી આબરૂૂ બચાવવા માટે આ હવાતિયાં કરી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેની આર્મી, જાસૂસી સંસ્થાઓ અને કટ્ટરવાદીઓના ટેકા છતાં જીતી ના શકેલી જમાત પોતે ચૂંટણીમાં ગરબડના કારણે હારી ગઈ એવું સ્થાપિત કરવા ફાંફાં મારી રહી છે. જમાતનાં આ હવાતિયાંથી ભારત સરકાર ખુશ છે ને લોકો પણ ખુશ છે કેમ કે જમાતે ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર છોડી નહોતી.
સત્તામાં આવશે તો ભારત વિરોધી વલણ અપનાવવાની જાહેરાત જમાતે કરી હતી. જમાત-એ-ઇસ્લામીની શરૂૂઆત એક ઇસ્લામિક ચળવળ તરીકે થઈ હતી. 1941માં બ્રિટિશ ભારતમાં પત્રકાર સૈયદ અબુલ અલા મૌદુદીએ મુસ્લિમ બ્રધરહુડથી પ્રેરિત થઈને જમાતની સ્થાપના કરી હતી. જમાતનો ઉદ્દેશ ભારતીય ઉપખંડમાં ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણેનું શાસન સ્થાપવાનો છે. ભાગલા પછી, મૌદુદી પાકિસ્તાનમાં જતા રહ્યા અને જમાત જમાત-એ-ઇસ્લામી પાકિસ્તાન અને જમાત-એ-ઇસ્લામી હિંદ એમ બે બે અલગ અલગ સંગઠનોમાં વિભાજિત થઈ ગઈ. જમાત-એ-ઇસ્લામી હિંદની સ્થાપના એપ્રિલ 1948માં અલ્હાબાદમાં કરાઈ હતી. આઝાદ ભારતમાં અલગ સંગઠન બન્યું હોવાથી તેને સત્તાવાર રીતે જમાત-એ-ઇસ્લામી હિંદ નામ અપાયું. ભારતમાં જમાતની પહેલી બેઠકમાં 240 સભ્યો હાજર હતા અને મૌલાના અબુલ લૈસ નદવી અમીર એટલે કે નેતા ચૂંટાયા હતા.
પહેલાં જમાતનું મુખ્ય મથક લખનઊના મલીહાબાદમાં હતું. 1949માં રામપુર ખસેડાયું અને 1960માં નવી દિલ્હી ખસેડવામાં આવ્યું. ભારતના મુસ્લિમો સમજદાર છે તેથી ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા જેવા શેખચલ્લીના વિચારોને પોષતાં જમાત જેવાં સંગઠનો કે મુસ્લિમ લીગ જેવા પક્ષોની વાતોમાં નથી આવી જતાં બાંગ્લાદેશમાં જમાતની સરકાર રચાઈ હોત તો બાંગ્લાદેશ ફરી પાકિસ્તાનમાં ભળી ગયું હોત એવું મનાય છે. જમાતનો ઈતિહાસ ભારત વિરોધી હોવાથી ભારત સામે બાંગ્લાદેશ વધારે આક્રમક બન્યું હોત ને ભારત સામે આતંકવાદનો વધુ એક એક મોરચો બાંગ્લાદેશની ઘરતી પરથી ખૂલી ગયો હોત. ભારતમાં બાબરી ધ્વંસ પછી જમાતના નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી રમખાણો ભડકાવીને મોટા પાયે હિંદુઓની હત્યાઓ કરી હતી. જમાત એ પછી પણ સતત હિંદુઓને ટાર્ગેટ કર્યા કરે છે તેથી સત્તામાં આવી હોત તો હિંદુઓ પર સત્તાવાર રીતે જ અત્યાચારો શરૂૂ થઈ ગયા હોત.
