અડધી રાત્રે પ્રમોશન આપીશ પણ કામની ગુણવત્તામાં બાંધછોડ નહીં: CM

રાજ્યમાં સરકારી કામકાજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તા સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજિત ચિંતન…

રાજ્યમાં સરકારી કામકાજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તા સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર વિકાસ કાર્યોમાં કામની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન કરશે નહીં.

મુખ્યમંત્રીએ અધિકારીઓ સમક્ષ તંત્રની પારદર્શિતા અને સહયોગી વલણનો પુરાવો આપતા કહ્યું કે સરકાર વહીવટી સ્તરે કોઈનું પણ કામ અટકાવતી નથી. તેમણે અધિકારીઓને સંબોધીને જણાવ્યું કે, “તમારી કોઈ પ્રમોશનની ફાઈલ અટકી હોય તો મને કહો, હું અડધી રાત્રે પણ તમારી બઢતીની ફાઈલ પર સહી કરવા તૈયાર છું.” પરંતુ આ સુવિધા સામે અધિકારીઓએ પણ પોતાની પૂર્ણ ક્ષમતા અને પ્રામાણિકતાથી કામગીરી બજાવવી પડશે.

પોતાના વક્તવ્યમાં ભૂપેન્દ્રભાઇ પટેલે અધિકારીઓની બેદરકારી સામે આકરો પ્રહાર કર્યો હતો. તેમણે ટાંક્યું કે એક નાની બેદરકારી પણ સરકારી તંત્ર અને જાહેર હિત માટે ખૂબ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કેટલાક અધિકારીઓને જાણીજોઈને ભૂલ કરવાની ટેવ પડી ગઈ છે, જે વલણ હવે જરાય સ્વીકારવામાં નહીં આવે.
મુખ્યમંત્રીએ રાજ્યના લાખો યુવાનોની વાસ્તવિકતા યાદ અપાવતા કહ્યું કે સમાજમાં એક સરકારી નોકરી મેળવવા માટે કેટલી મોટી પડાપડી અને મહેનત કરવી પડે છે. જ્યારે તમને આ જવાબદારીભર્યું પદ મળ્યું છે, ત્યારે ઘણા અધિકારીઓને તેની યોગ્ય કદર રહેતી નથી. જનતાના ટેક્સના નાણાંથી ચાલતા પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા અને ઉત્કૃષ્ટ પરિણામ આપવું એ દરેક સરકારી સેવકની નૈતિક ફરજ છે. મુખ્યમંત્રીની આ કડક ટકોરથી સમગ્ર માર્ગ-મકાન વિભાગમાં સોપો પડી ગયો છે.

ડાઉનમાં ટેન્ડર આવે તો હલકી ગુણવત્તાના કામ થાય
ટેન્ડર પ્રક્રિયા અંગે અધિકારીઓનું ધ્યાન દોરતા મુખ્યમંત્રીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો કે ટેન્ડરિંગ પ્રક્રિયા દરમિયાન સતર્કતા રાખવી અનિવાર્ય છે. સીએમ પટેલે ટકોર કરી કે, જો કોઈ એજન્સી અંદાજિત ખર્ચ કરતાં ખૂબ નીચા ભાવે એટલે કે ડાઉન ટેન્ડર ભરે અને એવું લાગે કે તે કિંમતમાં ધોરણસરનું કામ થઈ શકે તેમ નથી, તો તેવા કામ આપવા જોઈએ નહીં. તેમણે રોકડું પરખાવ્યું કે જ્યારે બહુ નીચા ભાવે કામ અપાય છે ત્યારે પરિણામ સ્વરૂૂપે ગુણવત્તા હલકી જ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *