કેજરીવાલની આરતી ઉતારી ત્યાં સુધી ચઢ્ઢા ગમતા હતા

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એએપીમાં પાછી યાદવાસ્થળી જામી છે અને કારણ રાઘવ ચઢ્ઢાની રાજ્યસભામાં ઉપનેતા પદેથી હકાલપટ્ટી છે. 2022માં પંજાબમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા ચઢ્ઢા 2023થી…

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એએપીમાં પાછી યાદવાસ્થળી જામી છે અને કારણ રાઘવ ચઢ્ઢાની રાજ્યસભામાં ઉપનેતા પદેથી હકાલપટ્ટી છે. 2022માં પંજાબમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા ચઢ્ઢા 2023થી રાજ્યસભામાં આપના ડેપ્યુટી લીડર હતા પણ ગુરુવારે અચાનક જ આમ આદમી પાર્ટી દ્વારા તેમની હકાલપટ્ટી કરીને ચઢ્ઢાના સ્થાને પંજાબના જ સાંસદ અશોક મિત્તલને ડેપ્યુટી લીડર બનાવી દેવાયા હતા. આપ દ્વારા સત્તાવાર રીતે ચઢ્ઢાને હટાવવાનું કારણ અપાયું નથી પણ આપના રાષ્ટ્રીય પ્રવક્તા અનુરાગ ઢાંડાના કહેવા પ્રમાણે, રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાં સામાન્ય લોકોના મુદ્દા ઉઠાવતા નહોતા ને નરેન્દ્ર મોદીથી ડરી ગયા હતા તેથી તેમને દૂર કરાયા છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને ચઢ્ઢાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે એવી જાણ પણ કરી છે. ઢાંડાએ કટાક્ષ કર્યો છે કે, ચઢ્ઢા આમ આદમી પાર્ટીના મુદ્દા ઉઠાવવાને બદલે એરપોર્ટની કેન્ટિનમાં સમોસા સસ્તા કરાવવાની વાતો કરતા હતા અને રાજ્યસભામાં આમ આદમી પાર્ટી દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર સહી કરવાની પણ ના પાડી દીધી હતી. આપ હમણાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આપના કાર્યકરોની ધરપકડ કરીને પજવણી કરવામાં આવતી હોવાના મુદ્દે દેકારો કરી રહ્યો છે.

આપના કર્તાહર્તા અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખીને મળવાનો સમય માગ્યો છે. આપ રાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દાને ચગાવીને ભાજપ આપખુદશાહી કરી રહ્યો હોવાના આક્ષેપો કરી રહ્યો છે. આ અંગે જ રાજ્યસભામાં ઠરાવ લવાયો હતો પણ ચઢ્ઢાએ તેના પર સહી ના કરી તેમાં તેમનું પત્તું કાપી નાંખાયું એવો ઢાંડાનો દાવો છે. આપની કાર્યવાહી સામે રાઘવ ચઢ્ઢાએ પણ હુંકાર કર્યો છે કે, મને ચૂપ કરાવવામાં આવ્યો છે પણ હું હાર્યો નથી. આમ આદમીને મારો સ્પષ્ટ સંદેશ છે કે, મારો અવાજ ચૂપ કરાવનારાં સામે હું સુનામી બનીને પાછો આવીશ. રાઘવે પોતાનો અવાજ કોણે બંધ કરાવ્યો તેનો ફોડ પાડીને આપના કોઈ નેતાનું નામ નથી લીધું પણ તેનું ટાર્ગેટ અરવિંદ કેજરીવાલ છે એ કહેવાની જરૂૂર નથી. કેજરીવાલ આપના મુખિયા છે ને બધા નિર્ણયો કેજરીવાલ જ લે છે તેથી ચઢ્ઢ ાને હટાવવાનો નિર્ણય પણ કેજરીવાલે જ લીધો હોય એ સ્પષ્ટ છે. ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયોમાં આડકતરી રીતે પોતે કેજરીવાલની મનમાનીનો ભોગ બની ગયો હોવાનો આક્ષેપ કરીને એવો દાવો પણ કર્યો છે કે, મેં પ્રજાના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી તેના કારણે આમ આદમી પાર્ટી શું નુકસાન થયું?

સામાન્ય રીતે નથી ઉઠાવાતા એવા મુદ્દા મેં રાજ્યસભામાં ઉઠાવ્યા પણ પ્રજાની સમસ્યાની વાત કરવી એ અપરાધ છે? મેં કોઈ ભૂલ, અપરાધ કે કશું ખોટું કર્યું છે? ચઢ્ઢાના મતે પોતે એરપોર્ટ પર મળતા મોંઘા ભોજન, ઝોમેટો-બ્લિટિના ડિલિવરી બોયની તકલીફો, ખાવાની ચીજોમાં મિલાવટ, ટોલ પ્લાઝા પર થતી લૂંટથી માંડીને બેંક ચાર્જના નામે લોકોને ખંખેરવાના ગોરખધંધા, મિડલ ક્લાસ પરના ઈન્કમટેક્સના બોજ, ક્ધટેન્ટ ક્રીયેટર્સ સામે થતા કેસો, ટેલિકોમ કંપનીઓ દ્વારા કરાતી છેતરપિંડી સહિતના પ્રજાને સ્પર્શતા મુદ્દા ઉઠાવ્યા તેના કારણે દેશના આમ આદમીને તો ફાયદો થયો જ છે પણ આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું એ મને ખબર નથી પડતી. અત્યારે મને ચૂપ કરાવવા, મને લોકોના મુદ્દા ઉઠાવતાં કેમ રોકવા માગે છે એ મને ખબર પડતી નથી. ચઢ્ઢા ભલે જાહેરમાં કાલા થતા હોય પણ તેમને કોણ રોકવા માગે છે ને કેમ રોકવા માગે છે તેની તેમને પણ ખબર છે ને લોકોને પણ ખબર છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી હોવાનો દાવો કરે છે પણ આ પાર્ટી અરવિંદ કેજરીવાલની છે ને કેજરીવાલની બાપીકી પેઢી જેમ જ તેનો વહીવટ ચાલે છે. કેજરીવાલને જેની સાથે ફાવે ને કેજરીવાલની ચાપલૂસી કરે એ પાર્ટીમાં મોટા ભા બની જાય ને ના ફાવે તેમને બહારનો રસ્તો બતાવી દેખાય. ચઢ્ઢા ચાપૂલસી કરતા હતા ત્યાં લગી ચાલ્યા પણ જેવા કેજરીવાલથી આગળ નિકળવા માંડ્યા કે તરત તેમને કદ પ્રમાણે વેતરી દેવાયા છે.

રાજ્યસભાના ઉપનેતા બનાવ્યા ત્યાં લગી ચઢ્ઢાનો કેજરીવાલ સાથે જોરદાર મનમેળ હતો પણ કેજરીવાલે કહેવાતા લિકર કૌભાંડમાં જેલવાસ પછી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપીને આતિશીને મુખ્યમંત્રી બનાવ્યાં પછી સંબંધોમાં ખટાશ આવી ગઈ. કેજરીવાલ અને મનિષ સિસોદિયા પછી પોતે સૌથી મોટા નેતા હોવાનું ચઢ્ઢા માનતા હતા પણ કેજરીવાલે તેમને ગણકાર્યા નહીં. એ વખતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આપના એક પછી એક ઘણા ધુરંધરોને જેલમાં ધકેલી દીધેલા પણ ચઢ્ઢાને હાથ નહોતો લગાડયો. તેના કારણે કેજરીવાલને ચઢ્ઢાએ અંદરખાને ભાજપ સાથે સાંઠગાંઠ કરી લીધી હોવાની શંકા થઈ ગયેલી. અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા ત્યારે ચઢ્ઢા યુકે જતા રહેલા તેના કારણે કેજરીવાલને શંકા થઈ હોવાનું કહેવાય છે.

કારણ ગમે તે હોય પણ આ કડવાશ વધી ને ચઠ્ઠા આપથી અને ખાસ તો કેજરીવાલથી અંતર રાખીને ચાલવા માંડેલા. હમણાં લિકર કૌભાંડ કેસમાં કેજરીવાલ અને મનિષ સિસોદિયા નિર્દોષ છૂટ્યા ત્યારે પણ ચઢ્ઢા સાવ ચૂપ રહેલા અને એક શબ્દ પણ કહ્યો ન હતો તેના કારણે કેજરીવાલ વધારે દુભાઈ ગયા. ચઢ્ઢાએ પોતે આપ છોડશે એવું કહ્યું નથી પણ એ ભાજપમાં જોડાઈ જશે એવી વાતો લાંબા સમયથી ચાલે છે. ચઢ્ઢા બહુ મોટા નેતા નથી કે તેમનો એવો જોરદાર જનાધાર નથી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એ હિસાબે નવીસવી બનેલી આપમાં એ છવાઈ ગયેલા પણ ભાજપ પાસે ચઢ્ઢા જેવા નેતાઓની ફોજ છે તેથી ભાજપને ચઢ્ઢાનો કોઈ ખપ નથી પણ પારકે ભાણે લાડુ મોટો દેખાય એ હિસાબે ભાજપને બીજી પાર્ટીને નેતા મોટા લાગે છે તેથી ચઢ્ઢાને લાલ જાજમ પાછરીને લઈ લે એ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *