માતા-પિતાના આધારસ્તંભ અને ચાર બહેનોના એકના એક ભાઈએ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા કલ્પાંત
શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટીમાં રહેતા દંપતિ વચ્ચે માત્ર પાંચ માસના લગ્નજીવનમાં અણબનાવ બનતા પત્ની રીસામણે ચાલી ગઈ હતી. પત્નીની રિસામણે ચાલી જતા યુવકને માઠું લાગી આવતા ઝેરી ટીકડા ખાય જીવન ટૂંકાવી લીધું હતું. માતા-પિતાના આધાર સ્થંભ અને ચાર બહેનોના એકના એક ભાઈના આપઘાતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટીમાં રહેતા મયુર રમેશભાઈ ચુડાસમા નામનો 25 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મયુર ચુડાસમા તેના માતા-પિતાને આધાર સ્થંભ અને ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. મયુર ચુડાસમાએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ડ્રાઇવિંગ કામ કરતો હતો. મયુર ચુડાસમાના પાંચ માસ પૂર્વે જ માર્કેટ યાર્ડ પાછળ રહેતી પૂજાબેન નામની યુવતી સાથે લગ્ન થયા હતા અને પાંચ માસના લગ્ન જીવન દરમિયાન દંપતિ વચ્ચે અણબનાવ બનતા દસ દિવસ પહેલા જ પૂજાબેનની માતા તેણીને રિસામણે તેડી ગઈ હતી જેથી મયુર ચુડાસમાને માઠું લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
