ચક્રવાત હેરીએ ઈટાલીથી ફ્રાન્સ સુધીના યુરોપને ધમરોળી નાંખ્યુ

ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં ત્રાટકેલા ચક્રવાત હેરીએ ઇટાલીથી ફ્રાન્સ સુધી ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદ, પૂર અને વિશાળ દરિયાઈ મોજાઓને કારણે અનેક દેશોમાં જનજીવન સંપૂર્ણ…

ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં ત્રાટકેલા ચક્રવાત હેરીએ ઇટાલીથી ફ્રાન્સ સુધી ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદ, પૂર અને વિશાળ દરિયાઈ મોજાઓને કારણે અનેક દેશોમાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.
ચક્રવાત હેરીએ આ અઠવાડિયે ભૂમધ્ય સમુદ્રના અનેક દેશોમાં ભયાનક અસર કરી છે. ખાસ કરીને ઇટાલીનું સિસિલી ટાપુ આ વાવાઝોડાનો સૌથી વધુ ભોગ બન્યું છે. સતત મુશળધાર વરસાદ અને દરિયામાં ઊંચા મોજાઓને કારણે અનેક વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. દરિયાકાંઠાના રસ્તાઓ ધોવાઈ ગયા, ઇમારતોને નુકસાન થયું અને પરિવહન વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ.

ઇટાલી ઉપરાંત માલ્ટા, સ્પેન અને ફ્રાન્સમાં પણ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. માલ્ટાના માર્સાસ્કાલા, સ્લીમા અને બિર્ઝેબુગા જેવા દરિયાકાંઠાના શહેરોમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. વહેલી સવારે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી.

ઇટાલીના લિપારી ટાપુ પર દરિયા કિનારે વિશાળ મોજાઓ અથડાયા, જેના કારણે ફેરી સેવાઓ બંધ કરવી પડી. સિસિલીના લોકપ્રિય પ્રવાસન સ્થળ લેટોજાનીમાં દરિયાકાંઠાનો મોટો રસ્તો ધોવાઈ ગયો હોવાના દૃશ્યો ડ્રોન વીડિયોમાં સામે આવ્યા છે. ઇટાલિયન નાગરિક સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, 18 થી 21 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં લગભગ 57 સેન્ટિમીટર જેટલો વરસાદ પડ્યો, જ્યારે દરિયામાં મોજાઓની ઊંચાઈ 9.7 મીટર સુધી પહોંચી ગઈ હતી.

ફ્રાન્સના કોર્સિકા ટાપુમાં એક જ દિવસમાં 200 મીલીમીટરથી વધુ વરસાદ પડતાં નદીઓ છલકાઈ ગઈ અને અનેક વિસ્તારોમાં પૂર આવ્યું. સ્પેનના કેટાલોનિયા પ્રદેશમાં પણ વરસાદ અને દરિયાઈ મોજાઓએ ભારે નુકસાન કર્યું. અહીં દરિયા કિનારે આવેલા એક રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાવાઝોડા દરમિયાન કટોકટી સેવાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ચક્રવાત હેરીએ ફરી એકવાર બતાવી દીધું કે હવામાનમાં થતા અચાનક ફેરફારો કેટલા વિનાશક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *