ભાવનગરમાં ઓગસ્ટ મહિનામાં બનેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂૂ પીવાથી 13 લોકોના મોતના બનાવ બાદ ગુજરાતમાં કાયદેસર દારૂૂ પીવાની મંજૂરી એટલે કે હેલ્થ લિકર પરમિટ મેળવવાના વલણમાં મોટો ઉછાળો નોંધાયો છે.
નશાબંધી અને આબકારી વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, ઓગસ્ટ 2026માં રાજ્યમાં 323 હેલ્થ લિકર પરમિટ ઈશ્યૂ અથવા રિન્યૂ કરવામાં આવી હતી, જે ઓગસ્ટ 2025ના 171ના આંકડા સામે લગભગ 89 ટકાનો સીધો વધારો દર્શાવે છે. ગેરકાયદે દારૂૂના જીવલેણ જોખમો સામે આવ્યા બાદ અને બૂટલેગરો સામે પોલીસ તંત્રની કડક ઝુંબેશ વચ્ચે લોકો હવે ગેરકાયદે દારૂૂને બદલે સલામત અને કાયદેસર પરમિટના વિકલ્પ તરફ આગળ વધી રહ્યા હોય તેવો તાલ સર્જાયો છે.
ઓગસ્ટ 2025 દરમિયાન 171 પરમિટમાંથી 118 રિન્યૂઅલ અને 53 નવી પરમિટ સામેલ હતી, જ્યારે ઓગસ્ટ 2026માં રિન્યૂઅલની સંખ્યા બમણાથી વધીને 246 થઈ ગઈ હતી અને નવી પરમિટ પણ વધીને 77 પર પહોંચી ગઈ હતી.
વર્ષ 2026ના પ્રારંભિક મહિનાઓની સરખામણી કરીએ તો એપ્રિલ મહિનામાં પરમિટની પ્રક્રિયા તળિયે પહોંચી હતી, જ્યાં આખા મહિનામાં માત્ર 11 પરમિટ (10 રિન્યૂઅલ અને 1 નવી) જ નોંધાઈ હતી. ત્યારબાદના મહિનાઓમાં ક્રમશ: વધારો થયો હતો અને જુલાઈમાં 314 પરમિટ બાદ ઓગસ્ટમાં આ આંકડો 323 પર પહોંચી ગયો હતો. ભાવનગરની ઘટના અને ત્યારબાદ રાજ્યભરમાં થયેલા કડક ચેકિંગે આ ઉછાળાને વેગ આપ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગના નિયમો મુજબ, 40 વર્ષથી વધુ ઉંમરની એવી કોઈપણ વ્યક્તિ કે જેને હૃદય, બ્લડ પ્રેશર કે નર્વસ સિસ્ટમ જેવી કોઈ ચોક્કસ શારીરિક બીમારી માટે તબીબી દ્રષ્ટિએ આલ્કોહોલનું સેવન જરૂૂરી ગણાયું હોય, તેને સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા તપાસ બાદ હેલ્થ પરમિટ આપવામાં આવે છે. જોકે શહેરોમાં એવી પણ ચર્ચા રહે છે કે ઘણી વખત તબીબી જરૂૂરિયાત ઉપરાંત લાઈફસ્ટાઈલ, સ્ટેટસ સિમ્બોલ કે પસંદગીના ભાગરૂૂપે પણ પરમિટ મેળવવામાં આવતી હોય છે. ભાવનગરની ગંભીર હોનારત પછી સલામતીની ખાતરી માટે લોકો ગેરકાયદે દારૂૂથી મોં ફેરવીને કાયદેસર વ્યવસ્થા તરફ વળ્યા છે કે પછી આ માત્ર આંકડાકીય વધઘટ છે, તે અંગે ચર્ચાઓ જાગી છે.
રાજ્યના કુલ પરમીટધારકોમાં મહિલાઓનો હિસ્સો 6% જેટલો
રાજ્યમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં નવી પરમિટ મેળવવાના વલણમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. વર્ષ 2023-24માં નવી પરમિટની સંખ્યા 848 હતી, જે 2024-25માં ઘટીને 397 થઈ ગઈ હતી, પરંતુ 2025-26માં તે ફરી ઉછળીને 961 પર પહોંચી હતી. ચાલુ કેલેન્ડર વર્ષ 2026ના પ્રથમ આઠ મહિનાના આંકડા પણ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં કુલ 2,670 લોકોએ હેલ્થ પરમિટ મેળવી અથવા રિન્યૂ કરાવી છે, જેમાં 2,515 પુરુષો અને 155 મહિલાઓ સામેલ છે (કુલ પરમિટધારકોમાં મહિલાઓનો હિસ્સો 5.8 ટકા જેટલો છે). આ આઠ મહિના દરમિયાન જૂન મહિનામાં સૌથી વધુ 37 મહિલાઓએ પરમિટ લીધી હતી, જ્યારે સરેરાશ દર મહિને 72 નવી પરમિટ સાથે આઠ મહિનામાં 578 નવા પરમિટ કેસ ઉમેરાયા છે.
