ગુજરાતના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે મુલ્યાંકન કરવાનું શરૂ કર્યુ હતું. આગામી તા. 30 ડિસેમ્બરથી શિક્ષણ વિભાગ દ્વારા મુલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં ચકાસણી બાદ જરૂરી જણાય તે શાળામાં શિક્ષણ બાબતે મહત્વના સુચનો અને ફેરફાર કરવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કેવું શિક્ષણ આપવામાં આવે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. ગામડાંઓની ઘણીબધી શાળાઓ એવી છે. કે, ધોરણ 7ના વિદ્યાર્થીઓ પોતાની જ માતૃભાષા ગુજરાતીમાં વાંચી પણ શકતા નથી. શિક્ષકો જ બાળકોને સારૂૂ શિક્ષણ આપે તે માટે સરકારે મૂલ્યાંકન પ્રથા અમલી બનાવી છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં આવેલી સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમ જ આશ્રમ શાળાઓ મળીને 39 હજાર શાળાઓમાં 30 ડિસેમ્બરથી 2024-25 સ્કૂલ મૂલ્યાંકન (સ્કૂલ એક્રેડિટેશન)નો પ્રારંભ થશે.
શાળાઓ પોતાની રીતે 30 ડિસેમ્બરથી 18મી જાન્યુઆરી દરમિયાન સ્વ મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરશે. આ સ્કૂલોની સ્વ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 33 ટકા સુધીનું પરિણામ ધરાવતી 13 હજાર શાળાઓનું જાન્યુઆરીથી મે સુધીમાં ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાશે. આ સાથે સ્વ મૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન, ડેટા આધારિત મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરાશે. શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શાળાઓમાં સ્વ મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની કામગીરી પ્રતિ વર્ષ હાથ ધરવામાં આવે છે. જીસીઈઆરટીએ તૈયાર કરેલી માર્ગદર્શિકા અનુસાર સ્કૂલોમાં સ્વ મૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન, ક્રોસ વેરિફિકેશનનો સમાવેશ કરાયો છે. તેમજ આચાર્યો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે.