મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વુમેન્સ પ્રીમિયર લીગ 2026નો રંગારંગ પ્રારંભ થયો. મિસ યુનિવર્સ હરનાઝ સંધૂના પરફોર્મન્સથી આ ઓપનિંગ સરેમનીની શરૂૂઆત થઈ. આ સરેમની ’આત્મવિશ્વાસ, સાહસ અને ખેલમાં મહિલાઓના અજય ઉદય’, થીમ પર આધારિત હતી, જેણે ભારતને હાલના વનડે વર્લ્ડ કપ સફળતા બાદ લીગના શાનદાર ગ્રોથને પણ દર્શાવ્યો. જેકલીન ફર્નાન્ડિઝ અને હની સિંહના પરફોર્મ કરતા પહેલા હરનાઝે પોતાના પરફોર્મન્સથી ચાર ચાંદ લગાવ્યાં હતા. WPLના ઓફિશિયલ અકાઉન્ટ પરથી હરનાઝના પરફોર્મનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. હરનાઝ પછી સ્ટેજ પર બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ આવી, જેણે પોતાના ડાન્સથી મહેફિલ લૂંટી હતી.
જેકલીનના જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સે દર્શકોનું દિલ જીતી લીધું. તેનો આ ડાન્સ મહિલા સશક્તિકરણ અને આત્મવિશ્વાસની થીમ પર આધારિત હતો. જેકલીને ફિલ્મ ’કિક’ના લોકપ્રિય ગીત ’યાર ના મિલે’ સહિત પોતાના હિટ ગીતો પર ડાન્સ કર્યો. ડાન્સર્સની આખી ટીમ સાથે જેકલીને ’કોન્ફિડન્સ અને કરેજ’થી ભરપૂર શાનદાર પરફોર્મન્સ આપ્યું. રેપર યો યો હની સિંહે ધમાકેદાર એન્ટ્રી લીધી. તેમણે પોતાનું પરફોર્મન્સ સ્ટેડિયમના ડગ આઉટમાં બંને કપ્તાન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના વચ્ચે બેસીને શરૂૂ કર્યું. હની સિંહે સૌપ્રથમ પોતાનું નવું ગીત ’મિલિયનેર’ રજૂ કર્યું, જેમાં બંને કપ્તાનોને ખાસ અંદાજમાં સામેલ કરવામાં આવી. ત્યારબાદ તેઓ મેઈન સ્ટેજ પર પહોંચ્યા અને ’બ્લૂ આઈઝ’ અને ’લુંગી ડાન્સ’ જેવા પોતાના જૂના હિટ ગીતો પર દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા. બ્લેક આઉટફિટમાં આવેલા હની સિંહનું પરફોર્મન્સ ખૂબ જ એનેર્જેટિક રહ્યું. તેઓ સ્ટેડિયમમાં ફરતા ફરતા ગીતો ગાતા જોવા મળ્યા.
