2024ની ભરતીમાં 165 સેન્ટીમીટરની ઉંચાઇ નોંધાયા બાદ 2026માં ઘટી ગઇ
ત્રણ ઉમેદવારોની તબીબી દેખરેખ હેઠળ ફરીથી માપણી કરવા આદેશ
ગુજરાત પોલીસમાં ખાખી પહેરવાનું સપનું જોતા અનેક યુવાનો માટે ઊંચાઈના માપદંડો વિઘ્નરૂૂપ બન્યા છે, જેના કારણે મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વર્ષ 2024ની ભરતીમાં જે ઉમેદવારોની ઊંચાઈ 165 સેમી કે તેથી વધુ નોંધાઈ હતી, તેઓ જ વર્તમાન ભરતી પ્રક્રિયામાં નિર્ધારિત ઊંચાઈ કરતા ઓછા સાબિત થતા ભારે વિવાદ સર્જાયો છે. આશ્ચર્યજનક રીતે ’ઘટી’ ગયેલી ઊંચાઈના અહેવાલો બાદ ગાંધીનગરના તુષાર ભાલિયા અને ગોવિંદ સિંધવ, બનાસકાંઠાના પપ્પુ પરમાર અને અમદાવાદના મુકેશ ચૌહાણ સહિતના અનેક ઉમેદવારોએ ન્યાય માટે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ ઉમેદવારોનો મુખ્ય તર્ક એ છે કે જો તેઓ અગાઉની ભરતીમાં શારીરિક માપદંડોમાં પાસ થયા હોય, તો વર્તમાન સમયમાં તેમની ઊંચાઈ કઈ રીતે ઓછી થઈ શકે?
આ ગંભીર વિસંગતતાને ધ્યાને લેતા જસ્ટિસ નિર્ઝર મહેતાએ મહત્વનો આદેશ આપ્યો છે કે તમામ અરજદાર ઉમેદવારોની ઊંચાઈની ફરીથી માપણી કરવામાં આવે. પારદર્શિતા જાળવી રાખવા માટે અદાલતે સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા 19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ (GMERS) ખાતે તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ યોજવામાં આવશે.
વધુમાં, કોર્ટે આદેશ આપ્યો છે કે માપણીની આખી પ્રક્રિયાનું ફરજિયાત વીડિયોગ્રાફી કરવામાં આવે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિની આશંકા ન રહે અને રિપોર્ટ 23 ફેબ્રુઆરી સુધીમાં અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે.
અદાલતે આ પ્રક્રિયામાં શિસ્ત જાળવવા માટે દરેક અરજદાર ઉમેદવારને 10,000 રૂૂપિયાની ડિપોઝિટ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા જણાવ્યું છે. જો ઉમેદવારનો દાવો સાચો ઠરશે તો આ રકમ તેમને પરત કરવામાં આવશે, પરંતુ જો ઊંચાઈ ઓછી માલૂમ પડશે તો રકમ જપ્ત થઈ શકે છે. પોલીસ ભરતી બોર્ડની માપણી પદ્ધતિ સામે સવાલો ઉઠાવતી આ અરજીઓએ રાજ્યભરના પોલીસ એસ્પિરેન્ટ્સમાં ચર્ચા જગાવી છે. હવે આગામી 23 ફેબ્રુઆરીએ હોસ્પિટલ દ્વારા સોંપવામાં આવેલા મેડિકલ રિપોર્ટના આધારે હાઈકોર્ટ આ ઉમેદવારોના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લેશે.
