The Gujarat High Court ધંધુકાના તત્કાલીન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જતિન શાહ અને કોર્ટ બેલિફ દિપકકુમાર રાવલ સામે 2014માં નોંધાયેલી લાંચની એફઆઈઆર રદ્દ કરી છે. કોર્ટે જણાવ્યું કે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
આ કેસ હાઈકોર્ટ વિજિલન્સ સેલ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 12 હેઠળ નોંધાયો હતો. વકીલ જગદીશકુમાર પાટડિયાની ફરિયાદ પર રજિસ્ટ્રાર (વિજિલન્સ)ના આદેશ બાદ એફઆઈઆર દાખલ થઈ હતી. ફરિયાદીનો આક્ષેપ હતો કે ઓક્ટોબર 2012માં વીજ કંપની સામે દાવો રજૂ કરતી વખતે જજે ઈન્જંક્શન આપવા માટે 5,000 રૂૂપિયાની માંગણી કરી હતી. પછી બેલિફના કહેવાતા નંબર પરથી ફોન કરી માંગણી ફરી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ હતો.
જજ અને બેલિફે 2016માં કેસ રદ્દ કરવા અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે માંગણી, સ્વીકૃતિ કે રિકવરીનો કોઈ પ્રાથમિક પુરાવો નથી. ખાતાકીય તપાસમાં બંનેને ગુણદોષના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને હાઈકોર્ટની ફુલ કોર્ટે તે નિર્ણય સ્વીકાર્યો હતો.
રાજ્ય સરકાર અને લો ઓફિસર બ્રાન્ચે વિરોધ કરીને કહ્યું હતું કે ખાતાકીય મુક્તિ ફોજદારી કેસ આપોઆપ બંધ કરતી નથી. જસ્ટિસ પી. એમ. રાવલે ઘટનાનો સમય અને ફરિયાદમાં થયેલા વિલંબની નોંધ લીધી. કોર્ટે ફરિયાદી લગભગ એક વર્ષ સુધી મૌન કેમ રહ્યા તે પ્રશ્ન કર્યો અને બેલિફ સામેના આક્ષેપો મુખ્યત્વે કોલ રેકોર્ડ પર આધારિત હોવાનું જણાવ્યું.
સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો આધાર લઈ હાઈકોર્ટે કહ્યું કે સમાન આક્ષેપો પર ગુણદોષના આધારે નિર્દોષ જાહેર થયા બાદ ફોજદારી મુકદ્દમો ચાલુ રાખી શકાય નહીં. કોર્ટે નોંધ્યું, વિજિલન્સ કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહીમાં આક્ષેપો સમાન છે. ગુણદોષ પરનો નિર્ણય હાઈકોર્ટે સ્વીકાર્યો છે. સુપ્રીમ કોર્ટના રાધેશ્યામ કેજરીવાલ કેસના સિદ્ધાંત મુજબ અરજદારોની ટ્રાયલ કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે. તેવુ માની ન્યાયાધીશ અને બેલીફ સામેની લાંચની ફરીયાદ રદ કરતો હુકમ કર્યો છે.
