‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, ડેડિયાપાડામાં પ્રચાર માટે પ્રવેશની મંજૂરી

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી…

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી પ્રચાર અર્થે પોતાના વતન ડેડીયાપાડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા રાજકીય અને સામાજિક સ્તરે અનેક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ હવે કોર્ટના આદેશ બાદ તેઓ ફરી પોતાના મતવિસ્તારમાં સક્રિય બની શકશે.

આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં મજબૂત લોકઆધાર ધરાવે છે અને તેમની હાજરી પાર્ટીને ચૂંટણીમાં નવી તાકાત આપી શકે છે. હાઇકોર્ટનો આદેશ મળ્યા બાદ ચૈતર વસાવા ડેડીયાપાડા પહોંચતા ગામડે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સમર્થકોએ ફૂલહાર પહેરાવી અને જયઘોષ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આવનારી સ્થાનિક જનતાની ચૂંટણી પહેલાં ચૈતર વસાવાની વતનમાં વાપસીથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ નવચેતના ફૂંકાઈ છે. ગામલોકોમાં એવો વિશ્વાસ જોવા મળી રહ્યો છે કે ચૈતર વસાવાની હાજરીથી વિસ્તારના પ્રશ્નોને વધુ જોરશોરથી ઉઠાવવામાં આવશે અને ચૂંટણીમાં પાર્ટીને મજબૂતી મળશે. આ સમગ્ર ઘટનાક્રમથી ડેડીયાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *