કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આજે હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ સંબંધિત માનહાનિના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરાયેલ સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
ફરિયાદી મહેશ શ્રીશ્રીમલે આરોપ લગાવ્યો હતો કે સપ્ટેમ્બર 2018માં રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિના નિવેદનો આપ્યા હતા. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “ચોરોના સરદાર” અને “ચોરના સેનાપતિ” તરીકે ઓળખાવ્યા હતા.
ભાજપના કાર્યકર્તા મહેશ શ્રીશ્રીમલે ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ, મેજિસ્ટ્રેટ કોર્ટે ઓગસ્ટ 2019 માં રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા, જેમાં તેમને હાજર રહેવાની જરૂૂર હતી. સમન્સ મળ્યા પછી, રાહુલ ગાંધીએ જુલાઈ 2021 માં હાઇકોર્ટમાં આદેશને પડકાર્યો હતો.
રાહુલ ગાંધીએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે ભાજપ કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કાયદેસર રીતે માન્ય નથી. તેમણે દલીલ કરી હતી કે તેમણે ન તો પક્ષનું નામ લીધું છે કે ન તો કોઈ ઓળખી શકાય તેવા અથવા ચોક્કસ વર્ગના લોકોને નિશાન બનાવ્યા છે; તેથી, કોઈ ચોક્કસ વ્યક્તિ કે જૂથને પીડિત પક્ષ ગણી શકાય નહીં.
