તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉભા થયેલા એક અત્યંત રસપ્રદ અને કાયદાકીય વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે રવિવારે રજાના દિવસે વિશેષ સુનાવણી હાથ ધરી હતી. શિવાગંગા જિલ્લાની તિરુપ્પત્તુર વિધાનસભા બેઠક પર ડીએમકેના ઉમેદવાર કે.આર. પેરિયાકરપ્પન માત્ર એક મતના નજીવા અંતરથી પરાજિત થયા છે. આ હારને પડકારતી અરજીમાં તેમણે આક્ષેપ કર્યો છે કે એક પોસ્ટલ બેલેટ જે તેમના મતવિસ્તાર માટે હતું, તે ભૂલથી અન્ય જિલ્લાના સમાન નામ ધરાવતા બીજા તિરુપ્પત્તુર મતવિસ્તારમાં મોકલી દેવામાં આવ્યું હતું અને ત્યાં તેને રદ કરી દેવાયું હતું. આ ગંભીર બેદરકારી સામે કરેલી રજૂઆતો પર ચૂંટણી પંચે અત્યાર સુધી મૌન ધારણ કર્યું હોવાથી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
ન્યાયમૂર્તિ વિક્ટોરિયા ગૌરી અને એન. સેન્થિલકુમારની બેન્ચે ભારત સરકારના ચૂંટણી પંચને આ બાબતે સોગંદનામું ફાઇલ કરવા આદેશ આપ્યો છે. અદાલતે સવાલ કર્યો હતો કે જ્યારે ઉમેદવાર દ્વારા આટલી મહત્વની ભૂલ અંગે ઈમેલ અને રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે ચૂંટણી પંચે તેનો જવાબ કેમ ન આપ્યો? ચૂંટણી પંચના વકીલે એવી દલીલ કરી હતી કે પરિણામ જાહેર થયા બાદ ચૂંટણી અધિકારીની સત્તા મર્યાદિત થઈ જાય છે અને આ વિવાદ માત્ર ઇલેક્શન પિટિશન દ્વારા જ ઉકેલી શકાય. જોકે, અદાલતે આ દલીલને ફગાવતા કહ્યું હતું કે મુખ્ય પ્રશ્ન બેલેટ પેપરની ભૂલનો છે અને તેનો જવાબ આપવો એ પંચની ફરજ છે. કે.આર. પેરિયાકરપ્પન વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે આ એક “અજોડ અને વિચિત્ર” કેસ છે. તેમણે જણાવ્યું કે જો એક મતપત્ર ખોટા સરનામે ગયું હોય, તો ટપાલીની ભૂલ સુધારીને તેને સાચા સરનામે લાવવું જોઈએ.
જો આ એક મત ગણતરીમાં લેવામાં આવે તો બંને ઉમેદવારો વચ્ચે મતોની સંખ્યા સરખી થઈ શકે છે અને પરિણામ ડ્રો ઓફ લોટ્સ (ચિઠ્ઠી ઉછાળીને) દ્વારા બદલાઈ શકે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે 5 મેના રોજ જાણ કર્યા હોવા છતાં અધિકારીઓએ મૌન સેવીને સ્વેચ્છાચારી વર્તન કર્યું છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે સીલબંધ પોસ્ટલ બેલેટ હવે લોકરમાં સુરક્ષિત છે અને તેને ખોલવા માટે ટ્રાયલ જેવી પ્રક્રિયાની જરૂૂર પડે. હાઈકોર્ટે આ બાબતની તમામ વિગતો સાથેનું સોગંદનામું મંગાવ્યું છે. પેરિયાકરપ્પને ઈવીએમ મતોના આંકડામાં પણ 18 મતોની વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો છે. હવે આ એક મતના વિવાદ પર અદાલત શું ચુકાદો આપે છે તેના પર સમગ્ર તમિલનાડુની રાજકીય નજર ટકેલી છે, કારણ કે આ એક મત વિધાનસભાનું ચિત્ર બદલી શકે તેમ છે.
