જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025 ના રોજ થયેલા મોટા આતંકવાદી હુમલાની તપાસ પૂર્ણ થયા બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આજે જમ્મુની એક ખાસ NIAકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. આ ચાર્જશીટમાં હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ અને સમગ્ર નેટવર્કનો ખુલાસો થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ અને તેના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીને મુખ્ય કાવતરાખોર તરીકે નામ આપવામાં આવે તેવી શક્યતા છે.
ચાર્જશીટમાં ત્રણ સ્થાનિક આરોપીઓના નામ પણ શામેલ હશે: બશીર અહેમદ જોથર, પરવેઝ અહેમદ જોથર અને મોહમ્મદ યુસુફ કટારી. તેમના પર ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને રહેવા અને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. ગઈંઅ તપાસમાં જાણવા મળ્યું છે કે 21 એપ્રિલની રાત્રે હિલ પાર્ક વિસ્તારમાં એક ઝૂંપડીમાં જોથર બંધુઓએ આતંકવાદીઓને રાખ્યા હતા. બંનેની 22 જૂને ધરપકડ કરવામાં આવી હતી.
22 એપ્રિલના રોજ, પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ક્રૂર હુમલામાં પચીસ પ્રવાસીઓ અને એક પોની ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ તેમના ધર્મ પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ લોકોને મારી નાખ્યા હતા અને ઘણાને કલમાનો પાઠ કરવાની ફરજ પાડી હતી. આ હુમલો ખીણમાં પ્રવાસીઓને નિશાન બનાવતા સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.
