ગુરુ પૂર્ણિમા : યુવાનોને ચમત્કાર નહીં, જ્ઞાન આપતા ગુરુ જોઈએ

આજના ઝડપી તેમજ સ્પર્ધાત્મક યુગમાં યુવાનો પાસે માહિતી મેળવવાના અનેક સ્ત્રોતો વધ્યા છે, પરંતુ સાચા માર્ગદર્શન દેનારના સ્ત્રોતો બહુ ઓછા હોય છે. મોબાઈલમાં એક ક્લિક…

આજના ઝડપી તેમજ સ્પર્ધાત્મક યુગમાં યુવાનો પાસે માહિતી મેળવવાના અનેક સ્ત્રોતો વધ્યા છે, પરંતુ સાચા માર્ગદર્શન દેનારના સ્ત્રોતો બહુ ઓછા હોય છે. મોબાઈલમાં એક ક્લિક કરવાથી વિશ્વભરનું જ્ઞાન મળી શકશે, છતાં અનેક યુવાનો જીવનના અતિ મહત્વના નિર્ણયો લેવામાં મૂંઝવણ અનુભવે છે તેમજ થાપ પણ ખાઈ જાય છે. કારણકે માહિતી અને જ્ઞાન વચ્ચે મોટો તફાવત છે. માહિતી તો કોઈપણ આપી શકે, પરંતુ જ્ઞાન અને જીવનની સાચી દિશા માત્ર ને માત્ર ગુરુજી જ આપી શકે. આજે એક કડવી અને નરી વાસ્તવિકતા એ પણ છે કે, માણસોને માણસ કરતા યંત્ર પર વધુ ભરોસો છે. પરિણામે આર્થિક સંકટો વધવાના લીધે આત્મહત્યાના કેસ વધતા જાય છે.

ભારતીય સંસ્કૃતિમાં ગુરુજીને અત્યંત ઊચું સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર અને જીવનને ખોટા માર્ગે ભટકતા અટકાવે છે. ગુરુ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન આપનાર વ્યક્તિ જ નહીં, પણ સત્ય, સંસ્કાર અને સફળતાના માર્ગે ચડાવનાર વ્યક્તિ છે. જે પોતાના અનુભવોના આધારે અનેક વિકટ પરિસ્થિતિઓમાં પણ હિંમત, ધૈર્ય અને નીડરતા શીખવે છે. ગુરુ પૂર્ણિમા એ આવા મહાન ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેનાં મૂલ્યવાન ઉપદેશોને જીવનમાં ઉતારવાનો દિવસ છે. આ ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આજે પણ ભારતમાં સાચા અને આદર્શવાદી ગુરુજીના લીધે જ ભારતમાં હજુ આધાત્મિકતા ખોવાણી નથી.

એક સત્ય છતાં કડવી હકીકત એ પણ છે કે, “આજે જેમ જેમ શિક્ષણ વધતું જાય છે તેમ ગુરુજીની ગરિમા ઘટવા લાગી છે. માન, સન્માન, મર્યાદા વગેરે અલિપ્ત થતું જાય છે.” પૈસાના જોરે મળતું શિક્ષણ આખરે સાચા અને સતત બીજાઓ માટે ઉપયોગી થનાર ગુરુજીની પ્રતિષ્ઠાને ઢાંકી દે છે. સમાજનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે અને યુવાનોનું ભવિષ્ય તેમના શુભચિંતક અને માર્ગદર્શકોના હાથમાં છે. તેથી સાચા ગુરુજીની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ છે. આદર્શ ગુરુજીનું સ્થાન એટલું પવિત્ર છે કે તેને સ્વાર્થ, દેખાવ કે ખોટી પ્રસિદ્ધિના ભાર નીચે દબાવવું ના જોઈએ.

લેભાગુ અમુક ગુરુજીઓ, જે ભગવા કલરને બદનામ કરે કે પછી શિક્ષણમાં બેઈમાની કરે કે પછી ખોટા માર્ગદર્શન હેઠળ પોતાની આજીવિકા જીવતા હોય, તેનાં લીધે જે સત્યના પંથે ચાલતા હોય તેને તો બદનામ ના જ કરીએ. આજે ઠેર-ઠેર માણસો મતલબી બનતા જોઈએ છીએ અને ભ્રષ્ટાચારીઓએ પણ ભરડો લીધો છે. ઉપરાંત અમુક શિક્ષકો કોઈ વિદ્યાર્થી જોડે છેડછાડ કરે, તેના લીધે બધા શિક્ષકો લંપટ નથી થઈ જતાં. કોઈ ભગવા ધારણ કરનાર સાધુ માણસોને અવળા રસ્તે ચડાવે કે તેની કામલીલા પકડાય તેના લીધે બધા જ સંતો ખરાબ નથી થતા હોતા. છતાં એવું કંઈ પણ પ્રકરણ ખુલે એટલે આપણી નજર બધા જ સંતો કે શિક્ષકો પ્રત્યે ખરાબ થઈ જાય છે. કોઈ એકાદ લંપટ, જે ગુરુ શબ્દને પણ અભડાવે તેવા માણસોના લીધે બધા પર તો આંગળી ના જ ઉઠાવીએ. સમાજમાં જો ગુરુજી જ નહીં હોય તો ભારતનું અધોપતન નક્કી જ સમજો.

સમાજે પોતાની જાતે જ નક્કી કરવાનું છે કે ચમત્કારો વેંચતા ગુરુઓ જોઈએ છે કે ચરિત્ર ઘડતા ગુરુઓ? ભીડ ભેગી કરતા ઉપદેશકો જોઈએ છે કે રાષ્ટ્ર ઘડતા શિક્ષકો? યુવાનોએ હવે આંખો બંધ કરીને ચમત્કાર કરતાં સાધુઓ નહીં, પણ આંખો ખોલીને ચારિત્ર્યનું ઘડતર કરતા ગુરુજીની પસંદગી કરવી પડશે. અંધશ્રદ્ધા ફેલાવતા બાબા નહીં પણ આધ્યાત્મિક ઘડતર, યોગ્ય શિક્ષા આપતા ગુરુની પસંદગી કરવી પડશે.

અંતમાં, એક સાચા ગુરુ ક્યારેય પોતાના અનુયાયીઓની સંખ્યા વધારતો નથી, પરંતુ સમાજમાં સારા માણસોની સંખ્યા વધારે છે. ગુરુપૂર્ણિમાની ઉજવણી ત્યારે જ સફળ ગણાશે, જ્યારે સમાજ ગુરુના વેશને નહીં, પરંતુ ગુરુજીના વચનને ઓળખતા શીખશે. જ્યારે દરેક યુવાનને ગુરુ તેને પોતાના પગ પર ઊભાં રહેવાનું, સત્ય માટે લડવાનું અને સમાજ માટે જીવવાનું શીખવશે, એ જ સાચા ગુરુની સૌથી મોટી ગુરુદક્ષિણા અને એ જ રાષ્ટ્રના ઉજ્જવળ આવતીકાલની ખાતરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *