ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શનિવારે હાઈકોર્ટે વર્ષ 2002ના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે. જાન્યુઆરી 2019માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે આ મામલામાં રામ રહીમ અને અન્ય ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે નીચલી અદાલતના આ ચુકાદાને રદ ઠેરવ્યો છે.
આ કેસની વિગત મુજબ ઓક્ટોબર 2002માં સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના અખબાર ’પૂરા સચ’માં ડેરાની અંદર થતી શંકાસ્પદ પ્રવૃત્તિ અને સાધ્વીઓના યૌન શોષણ અંગેના અહેવાલો પ્રકાશિત કર્યા હતા. આ કારણસર તેમની હત્યા કરાવાઈ હોવાનો રામ રહીમ પર આરોપ હતો. પ્રારંભિક તપાસ બાદ આ હાઈ-પ્રોફાઇલ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. જાન્યુઆરી 2019માં પંચકુલાની એક ખાસ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય લોકોને હત્યાના કાવતરાના દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, હવે હાઈકોર્ટે પુરાવાના અભાવે અને દલીલોને ગ્રાહ્ય રાખીને ડેરા પ્રમુખને આ ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા છે.
એક અહેવાલ પ્રમાણે પત્રકાર રામચંદ્ર છત્રપતિના પુત્ર 46 વર્ષીય અંશુલ છત્રપતિએ હાઈકોર્ટના નિર્ણય પર ઊંડી નિરાશા વ્યક્ત કરી છે તેને એક મોટો ઝટકો ગણાવ્યો છે. અંશુલે સ્પષ્ટ કર્યું છે કે, ’અમે હાર નહીં માનીશું. અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારી કાનૂની લડાઈ ચાલુ રહેશે અને અમે તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીશું.’
પોતાની કાનૂની લડાઈને યાદ કરતા તેમણે કહ્યું કે, ’છેલ્લા લગભગ 25 વર્ષોથી હું આ કાનૂની લડાઈ લડી રહ્યો છું. આટલા પ્રભાવશાળી વ્યક્તિથી ટક્કર લેવું ક્યારેય સરળ નથી હોતું. ટ્રાયલ શરૂૂ થતાં પહેલા પણ અમને આવા ઝટકા મળ્યા હતા.
જોકે, નીચલી અદાલતે અમને રાહત આપી હતી, પરંતુ હવે હાઈકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ અમે અમારી આ લડાઈ આગળ પણ ચાલું રાખીશું. અમને હજું પણ આશા છે.’ જો કે, હાલ રામ રહીમ જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે, તે વર્ષ 2017માં બે સાધ્વી સાથેના દુષ્કર્મ કેસમાં રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.
