જર્મનીના બર્લિન ખાતે ગુજરાતના ‘અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ’ને પ્રતિષ્ઠિત બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ-2026 એનાયત કરાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બન્યું હતું.
સ્મૃતિવન બાદ Red Dot સન્માન મેળવનાર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બનવાની સિદ્ધિ વડનગરના નામે નોંધાઈ છે. આ વૈશ્વિક સન્માનથી ગુજરાતના સમૃદ્ધ વારસા, ઐતિહાસિક ધરોહર અને આધુનિક મ્યુઝિયમ ડિઝાઇનને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે.મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગુજરાતના પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, અનંત અનાદિ વડનગરે બર્લિનમાં પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 જીત્યો તેનો મને આનંદ છે. વડનગર ભારતની સભ્યતા સાતત્યનો જીવંત પુરાવો છે, જેમાં 2,500 વર્ષથી વધુ અવિરત માનવ વસવાટ છે.
આ સંગ્રહાલય 5,000થી વધુ ખોદકામ કરાયેલી કલાકૃતિઓ અને એક ખોદકામ સ્થળ દ્વારા આ યાત્રાને જીવંત બનાવે છે જ્યાં મુલાકાતીઓ ઇતિહાસના સ્તર દ્વારા સ્તર પર ચાલી શકે છે. રેડ ડોટ વિશ્વના સૌથી આદરણીય ડિઝાઇન સન્માનોમાંનું એક છે. આ જીત સાથે, વડનગર બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ મેળવનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર સંગ્રહાલય બન્યું છે અને સ્મૃતિવન પછી રેડ ડોટ દ્વારા સન્માનિત થયેલું ગુજરાતનું બીજું સંગ્રહાલય બન્યું છે. આ વૈશ્વિક માન્યતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટમાં કહ્યું છે કે, આપણી સભ્યતાના કાલાતીત વારસાથી લઈને વૈશ્વિક ડિઝાઇન શ્રેષ્ઠતા સુધી, વડનગર ઇતિહાસ રચી રહ્યું છે! અનંત અનાદિ વડનગર – પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયે જર્મનીના બર્લિનમાં પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 મેળવ્યો છે.
