ગુજરાતમાં હૃદય સંબંધિત બીમારીઓનો વ્યાપ કેટલી ઝડપથી વધી રહ્યો છે તેનો અંદાજ દવાઓના વેચાણ અને ઈમરજન્સી કેસોના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. રાજ્યમાં કાર્ડિયાક થેરાપી (હૃદયરોગ) ની દવાઓનું બજાર ₹2,012 કરોડના આંકડાને વટાવી ગયું છે, જે છેલ્લા ચાર વર્ષમાં 85.3 ટકાનો જંગી વધારો દર્શાવે છે. એક તરફ દવાઓની ખપત વધી રહી છે, તો બીજી તરફ રાજ્યભરમાં હાર્ટ એટેક અને હૃદયની ગંભીર સમસ્યાઓના ઈમરજન્સી કેસોમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને યુવા વર્ગમાં હૃદયરોગનું વધતું પ્રમાણ તબીબો માટે ચિંતાનો વિષય બન્યું છે.
ફાર્માસ્યુટિકલ માર્કેટ રિસર્ચ સંસ્થા ’ફાર્મારેક’ના આંકડા મુજબ, ઓક્ટોબર 2026 સુધીના વાર્ષિક મૂવિંગ ટોટલ (ખઅઝ) મુજબ ગુજરાતનું કાર્ડિયાક દવાઓનું બજાર ₹2,012 કરોડ પર પહોંચ્યું છે, જે વાર્ષિક ધોરણે 16.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રાજ્યમાં આ દવાઓના વેચાણમાં સતત વધારો નોંધાયો છે; ઓક્ટોબર 2022માં આ બજાર ₹1,088 કરોડનું હતું, જે ઓક્ટોબર 2023માં વધીને ₹1,429 કરોડ, ઓક્ટોબર 2024માં ₹1,582 કરોડ અને ઓક્ટોબર 2025માં ₹1,732 કરોડ પર પહોંચ્યું હતું.
દવાઓના વેચાણની સાથે-સાથે ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (EMRI ) દ્વારા નોંધાયેલા હૃદયરોગના ઈમરજન્સી કેસોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. EMRI ના ડેટા દર્શાવે છે કે વર્ષ 2022માં રાજ્યમાં હૃદયરોગની ઈમરજન્સીના 56,277 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2023માં વધીને 72,573, વર્ષ 2024માં 84,738 અને વર્ષ 2025માં 98,582 સુધી પહોંચી ગયા હતા. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 30 ઓક્ટોબર સુધીના માત્ર 10 મહિનાના ગાળામાં જ EMRIએ 93,047 કેસ નોંધ્યા છે, જે ગત આખા વર્ષના કુલ કેસોના 94.4 ટકા જેટલા છે. આ સમયગાળા દરમિયાન દૈનિક સરેરાશ કેસોમાં 2025ની સરખામણીએ 13.7 ટકાનો વધારો થયો છે. એકલા અમદાવાદ શહેરમાં જ પ્રથમ 10 મહિનામાં 25,000 થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા છે, જે સમગ્ર રાજ્યના કુલ કેસોના 20 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
ફાર્મારેકના વાઈસ-પ્રેસિડેન્ટ (કોમર્શિયલ) શીતલ સપલેએ જણાવ્યું હતું કે લોકોમાં વધેલી સ્વાસ્થ્ય જાગૃતિ અને નિદાન સુવિધાઓની સરળ ઉપલબ્ધતાને કારણે પણ હૃદયરોગના જોખમી પરિબળો વહેલા ઓળખાઈ રહ્યા છે. લોકો હવે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવી રહ્યા છે અને તબીબો પણ અન્ય સામાન્ય બીમારીઓની તપાસ દરમિયાન પ્રાથમિક કાર્ડિયાક સ્ક્રીનિંગની ભલામણ કરી રહ્યા છે. બીજી તરફ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. અમિત પ્રજાપતિએ ચેતવણી આપી છે કે હવે દરેક વયજૂથમાં હૃદયરોગ જોવા મળી રહ્યો છે, જેની પાછળ વારસાગત કારણો, પ્રોસેસ્ડ ફૂડનું સેવન, મેદસ્વિતા અને હવામાં પ્રદૂષણ (ઙખ2.5) નું ઊંચું સ્તર મુખ્ય જવાબદાર છે.
10માંથી 3 દર્દી 40થી ઓછી ઉંમરના
EMRI 108 ના વિશ્ર્લેષણ મુજબ, હૃદયરોગની ઈમરજન્સીના દર 10માંથી આશરે 3 દર્દીઓ 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. અમદાવાદની યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા 30 વર્ષ કે તેથી ઓછી વયના હાર્ટ એટેકના દર્દીઓ પર કરવામાં આવેલા એક અલગ અભ્યાસમાં બહાર આવ્યું છે કે આવા યુવા દર્દીઓમાં તમાકુનું સેવન (53 ટકા), અપૂરતી શારીરિક પ્રવૃત્તિ (51 ટકા), બહારનું ખાવાની આદત કે અનિયમિત ભોજનનો સમય (49 ટકા), પારિવારિક ઈતિહાસ (31 ટકા) અને માનસિક તણાવ (28 ટકા) મુખ્ય જોખમી પરિબળો રહ્યા છે. શહેરના એક વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટે પણ પુષ્ટિ કરી હતી કે યુવાનોમાં હાર્ટ એટેક અને નોન-સ્ટેમી જેવા ગંભીર કેસોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
