ગુજરાત રાજ્યના પંચાયત વિભાગમાં ગ્રામીણ સ્તરે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જે દિવસથી રેવન્યુ તલાટીઓની નિમણૂક આપવામાં આવશે, તેના બીજા જ દિવસથી રાજ્યભરના પંચાયત તલાટીઓ મહેસૂલી અને ખેતીવાડી વિભાગને લગતી તમામ કામગીરીઓ બંધ કરી દેશે.
આ મહત્વનો નિર્ણય ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ પંકજભાઈ મોદી, મહામંત્રી રામભાઈ દેસાઈ અને ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ ચિરાગભાઈ ગરૈયા દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે. મંડળના જણાવ્યા અનુસાર, મહેસૂલી તલાટી કેડરના કામનો જોબચાર્ટ લાંબા સમયથી નક્કી ન થવાને કારણે તલાટીઓ પર કામનું ભારણ અસહ્ય રીતે વધ્યું છે.
મહેસૂલી તલાટીના કામનું સ્પષ્ટ વિભાજન ન થતા પંચાયત તલાટીઓએ અનેક વિભાગોની વધારાની કામગીરી કરવી પડે છે. પંચાયત વિભાગની પોતાની કામગીરી ઉપરાંત ગ્રામ વિકાસ અને મહેસૂલી કામગીરીનું ભારણ વધતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં થયેલી હડતાલ સમયે પણ આ મુદ્દે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવાનું નક્કી થયું હતું, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.
તાજેતરમાં સરકારે મહેસૂલી તલાટીઓની ભરતીના ઓર્ડર કર્યા છે, પરંતુ જેવી આ નિમણૂકો અમલમાં આવશે, કે તુરંત જ પંચાયત તલાટીઓ મહેસૂલ અને ખેતીવાડીને લગતી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આ નિર્ણયને કારણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહેસૂલી સેવાઓ પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.રાજ્યભરના હજારો તલાટીઓ જ્યારે એકસાથે કામગીરીનો બહિષ્કાર કરે ત્યારે ગ્રામીણ વહીવટ ખોરવાય તે સ્વાભાવિક છે. તલાટી મંડળની આ જાહેરાત બાદ હવે સરકાર આ મામલે કેવો વળાંક લે છે તે જોવું રહ્યું.
