ગુજરાત હવે માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ વિશ્વ ફલક પર ચમકવા માટે તૈયાર છે. રાજ્ય સરકારે આગામી કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની મેળવવાના મક્કમ નિર્ધાર સાથે બજેટમાં ખાસ ’સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ માટે માતબર રકમની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી અને નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રમતગમત વિભાગ માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કોમન્વેલથ ગેમ્સ માટે અમદાવાદ શહેરને ઓલેમ્પિક રેડી સિટી બનાવવા માટે 1278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઓલિમ્પિક અને કોમનવેલ્થ માટે માસ્ટર પ્લાન સરકારે અમદાવાદના નારણપુરા અને મોટેરા વિસ્તારમાં તૈયાર થઈ રહેલા ’સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ’ ને વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે જરૂૂરી એવા સ્વિમિંગ પૂલ, એથલેટિક ટ્રેક, વેલોડ્રોમ અને ઇન્ડોર સ્ટેડિયમ માટે બજેટમાં કરોડો રૂૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સ્પોર્ટ્સ સિટીનો વિકાસ: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ’સ્પોર્ટ્સ સિટી’ ના નિર્માણ માટે જમીન સંપાદન અને પ્રાથમિક સુવિધાઓ માટે ફાળવણી. આધુનિક તાલીમ કેન્દ્રો ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોચિંગ મળી રહે તે માટે હાઈ-પરફોર્મન્સ સેન્ટર્સની સ્થાપના. ટ્રાન્સપોર્ટેશન અને કનેક્ટિવિટી: રમતવીરો અને પ્રેક્ષકોની અવરજવર માટે મેટ્રો રેલના વિસ્તરણ અને સ્પેશિયલ કોરિડોર માટે જોગવાઈ. શક્તિદૂત યોજના: આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી શકે તેવા ગુજરાતના ઉભરતા ખેલાડીઓને આર્થિક સહાય પૂરી પાડવા બજેટમાં વધારો.
વિશ્વસ્તરીય સુવિધાઓનું નિર્માણ બજેટમાં જણાવ્યા અનુસાર, કોમનવેલ્થ ગેમ્સ માટે માત્ર રમતગમતના મેદાનો જ નહીં, પરંતુ હજારો રમતવીરો માટે ’ગેમ્સ વિલેજ’ (રહેણાંક સુવિધા) બનાવવાનું પણ આયોજન છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટેના પાયા તરીકે કરવામાં આવશે.
નિષ્ણાતોનો મત રમતગમત જગતના નિષ્ણાતો આ જોગવાઈને આવકારી રહ્યા છે. તેમના મતે, આ પ્રકારનું રોકાણ ગુજરાતને માત્ર એશિયા જ નહીં પણ વિશ્વના સ્પોર્ટ્સ મેપ પર મજબૂત સ્થાન અપાવશે. આ આયોજનથી રાજ્યમાં પ્રવાસન અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
