દોષિતોને ફાંસીની સજા કરવામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને

બિહાર, બંગાળ કરતા પણ સંગીન અપરાધોમાં શાંતિ પ્રિય મનાતું ગુજરાત આગળ ગુજરાત શાંતિપ્રિય રાજ્ય ગણાતું હોય છે અને રાજ્ય સરકાર પણ ગુનાખોરી ઓછી હોવાનો દાવો…

બિહાર, બંગાળ કરતા પણ સંગીન અપરાધોમાં શાંતિ પ્રિય મનાતું ગુજરાત આગળ

ગુજરાત શાંતિપ્રિય રાજ્ય ગણાતું હોય છે અને રાજ્ય સરકાર પણ ગુનાખોરી ઓછી હોવાનો દાવો કરે છે. જોકે વાસ્તવિકતા એ છે કે જઘન્ય અપરાધ ગણાય તેવા ગુનાઓ મોટી સંખ્યામાં આચરાતા હોય તેમાં દેશભરમાં ફાંસીની સજા ફટકારાઇ હોય તેવા જેલમાં રહેલા દોષીઓની સૌથી વધુ સંખ્યામાં ગુજરાત બીજા નંબરે છે. મૃત્યુદંડની સૌથી વધુ સજા કરાઇ હોય તેવા દોષીઓની સંખ્યામાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 95 અને તે પછી ગુજરાત 49 દોષીઓનો સમાવેશ થાય છે.

મુખ્યત્વે હત્યાકાંડથી લઇને ગેંગરેપ જેવા સંગીન કેસમાં ફાંસીની સજા થતી હોય છે. રેરેસ્ટ ઓફ ધ રેર જેવા કેસમાં ફાંસીની સજા અપાતી હોવા છતાં નહિવત્ કેસમાં જ દોષિત ગુનેગારોને ફાંસીના માંચડે ચડાવાતા હોય છે. ગુજરાતની છાપ એકંદરે કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં સારી હોવા છતાં મોટી સંખ્યામાં ફાંસીની સજા પામેલા દોષીઓ હાલ જેલમાં છે. ડિસેમ્બર-2020 સુધીમાં જેલમાં હોય અને મૃત્યુદંડ કે ફાંસીની સજા ફટકારાઇ હોય તેવા 49 દોષીઓ હોવાની માહિતી લોકસભામાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

નવાઇની વાત એ છે કે સામાન્ય રીતે બિહાર, પશ્વિમ બંગાળ જેવા રાજ્યમાં ગુનાખોરી અને જઘન્ય અપરાધ વધુ હોવાની છાપ છે. તેમ છતાં આ રાજ્યોમાં ફાંસીની સજા પામેલા દોષીઓની સંખ્યા ઓછી છે. ફાંસી થઇ હોય પરંતુ મોટાભાગના કિસ્સામાં ઉપલી અદાલત કે રાષ્ટ્રપતિને દયા યાચિકા કરાતી હોવાના આધારે મોટાભાગના કેસમાં વર્ષો સુધી ફાંસીની સજાનો અમલ થતો નથી. અનેક કિસ્સામાં ફાંસીના ચુકાદા બાદ તેને આજીવન કેદમાં ફેરવી દેવાય છે.

રાજકોટમાં 1989માં શશિકાંત માળી નામના ગુનેગારને ટ્રિપલ મર્ડર બદલ ફાંસીના માંચડે ચડાવી દેવાયો હતો. તે કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. જેમાં એક બાળકી સહિત ત્રણની હત્યા કરી હતી. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળુ કાપી નાખી જાહેરમાં નિર્મમ હત્યા બદલ કોર્ટે ફેનિલ ગોયાણીને રેરેસ્ટ ઓફ ધ રેર શ્રેણીમાં ગણીને ફાંસીની સજા જાહેર કરેલી છે. વર્ષ 2002માં ગોધરાકાંડમાં ટ્રેનમાં કારસેવકોને સળગાવી દેવાના જઘન્ય અપરાધમાં પણ ટ્રાયલ કોર્ટે 12 આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. જે પછી આજીવન કેદમાં ફેરવાઇ હતી.

રાજ્ય દીઠ ફાંસીની સજા પામેલા જેલમાં રહેલા દોષીઓ

ઉત્તરપ્રદેશ 95
ગુજરાત 49
મહારાષ્ટ્ર 45
ઝારખંડ 45
મધ્યપ્રદેશ 39
કર્ણાટક 32
બિહાર 27
પશ્વિમ બંગાળ 26
હરિયાણા 21
ઉત્તરાખંડ 20
રાજસ્થાન 20
કેરળ 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *