ગુજરાતને બે મોહન મળ્યા, એક સુદર્શન ચક્રધારી અને બીજા ચરખાધારી: PM મોદી

એક સમયે જયાં કાયમ કફર્યુ લાદવામાં આવતો તે અમદાવાદ આજે વિશ્ર્વનું સૌથી સુરક્ષિત શહેર તમારા હિતો જ મારા માટે સર્વોપરી, ભવ્ય રોડ-શો, જાહેરસભા બાદ આજે…

એક સમયે જયાં કાયમ કફર્યુ લાદવામાં આવતો તે અમદાવાદ આજે વિશ્ર્વનું સૌથી સુરક્ષિત શહેર

તમારા હિતો જ મારા માટે સર્વોપરી, ભવ્ય રોડ-શો, જાહેરસભા બાદ આજે સવારે બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન

ગુજરાતની મુલાકાત આવેલા પીએમ મોદીએ એરપોર્ટથી સભા સ્થળ સુધી રોડ-શો યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી પ્રથમ દિવસે 5400 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યાનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યુ હતું. આજે સવારે વડાપ્રધાને હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેકટ્રોડના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીએ એ દિવસો જોયા નથી જ્યારે અહીં લગભગ દરરોજ કર્ફ્યુ લાદવામાં આવતો હતો. અહીં ધંધો કરવો મુશ્કેલ હતો. અશાંતિનું વાતાવરણ જાળવવામાં આવતું હતું. અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે અને આ બધું તમે લોકોએ કર્યું છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે વાતાવરણ સર્જાયું છે, તેનાં સુખદ પરિણામો આપણે દરેક જગ્યાએ જોઈ રહ્યા છીએ. આજે ગુજરાતમાં દરેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આપણું રાજ્ય કેવી રીતે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે તે જોઈને સમગ્ર ગુજરાત ગર્વ અનુભવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આપણી સેનાની બહાદુરી અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતના સંકલ્પનું પ્રતીક બની ગયું છે. ચરખાધારી મોહન, આપણા પૂજનીય બાપુએ સ્વદેશી દ્વારા ભારતના સમૃદ્ધિનો માર્ગ બતાવ્યો હતો. અહીં આપણી પાસે સાબરમતી આશ્રમ છે. આ આશ્રમ એ હકીકતનો સાક્ષી છે કે જે પક્ષે દાયકાઓ સુધી તેમના નામ પર સત્તા ભોગવી તેણે બાપુની આત્માને કચડી નાખી. તેમણે બાપુના સ્વદેશીના મંત્રનું શું કર્યું? આજે, તમે એવા લોકોના મોઢેથી સ્વચ્છતા અથવા સ્વદેશી શબ્દો સાંભળ્યા નહીં હોય, જેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગાંધીના નામે દિવસ-રાત પોતાની ગાડીઓ ચલાવે છે. આ દેશ એ સમજવામાં અસમર્થ છે કે તેમની સમજણશક્તિનું શું થયું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં દરેક વ્યક્તિ આર્થિક હિતો પર આધારિત રાજકારણ કરવામાં વ્યસ્ત છે. અમદાવાદની આ ભૂમિ પરથી, હું મારા નાના ઉદ્યોગસાહસિકો, મારા નાના દુકાનદાર ભાઈઓ અને બહેનો, મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, મારા પશુપાલન ભાઈઓ અને બહેનોને કહીશ અને હું ગાંધીની ભૂમિ પરથી આ કહી રહ્યો છું. મારા દેશના નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો કે પશુપાલકો હોય, દરેક માટે, હું તમને વારંવાર વચન આપું છું કે તમારા હિતો મોદી માટે સર્વોપરી છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને પશુપાલકોને ક્યારેય કોઈ નુકસાન થવા દેશે નહીં. ગમે તેટલું દબાણ આવશે, અમે ટકી રહેવા માટે અમારી તાકાત વધારતા રહીશું. આજે, આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાત તરફથી ઘણી ઊર્જા મળી રહી છે અને આ પાછળ બે દાયકાની મહેનત છે.

પીએમ મોદીએ કહ્યું કે, આપણા ગુજરાતે તો કેવા દિવસ જોયા છે. કરફ્યુમાં જીવન ગુજારવું પડે. વાર-તહેવારે અમદાવાદની ધરતી રક્તરંજીત થઇ જતી હતી. આ લોકો આપણું લોહી વહાવતા હતા અને દિલ્હીમાં બેસેલી કોંગ્રેસ સરકાર કંઇ નહોતી કરતી. પરંતુ આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. તેઓ ગમે ત્યાં છૂપાયા હોય. દુનિયાએ જોયું કે કેવી રીતે ભારતે પહેલગામનો બદલો લીધો. તેમણે માત્ર 22 મિનિટમાં જ તેમનો સફાયો કરી દીધો. અમે સેંકડો કિલોમીટર અંદર જઈને આતંકવાદના કેન્દ્ર પર હુમલો કર્યો.

દુકાન પર બોર્ડ લગાવો કે અહીં સ્વદેશી વસ્તુઓ જ વેંચાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને ફરીથી વેગ આપ્યો. તેમણે વેપારીઓને વિદેશી વસ્તુઓ વેચવાને બદલે માત્ર ભારતમાં બનેલી વસ્તુઓ વેચવા અને દુકાન બહાર સ્વદેશી વસ્તુઓ અહીં વેચાય છેનું બોર્ડ લગાવવા માટે કહ્યું. મોદીએ સ્વદેશીને માત્ર આર્થિક બાબત જ નહીં, પણ દેશભક્તિ સાથે પણ જોડી. આ સંદેશ અમેરિકાના 25% ટેરિફના સંદર્ભમાં આવ્યો છે. પીએમ મોદીએ દેશના તહેવારોને આત્મનિર્ભરતાના ઉત્સવ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું.
પીએમ મોદીએ વેપારીઓને તેમના વ્યવસાયના સ્થળો પર એક મોટું બોર્ડ લગાવવા માટે કહ્યું, જેના પર સ્પષ્ટપણે લખેલું હોય કે અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક નાનો પણ શક્તિશાળી ઉપાય છે જે ગ્રાહકોમાં સ્વદેશી પ્રત્યે જાગૃતિ અને ગર્વ પેદા કરશે. તેમણે કહ્યું કે આ બોર્ડ લગાવવું એ માત્ર વ્યવસાયિક નિર્ણય નથી, પરંતુ દેશભક્તિનું પણ પ્રતીક છે.

વડાપ્રધાને આગામી તહેવારો, જેમ કે નવરાત્રિ, વિજયાદશમી, ધનતેરસ અને દિવાળીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ તહેવારો માત્ર સંસ્કૃતિની ઉજવણી નથી, પરંતુ આત્મનિર્ભરતાનો સંકલ્પ લેવાનો પણ અવસર છે. તેમણે દરેક નાગરિકને વિનંતી કરી કે તેઓ આ તહેવારો દરમિયાન માત્ર પમેડ ઇન ઇન્ડિયાથ ઉત્પાદનો જ ખરીદે. તેમણે વેપારીઓને પણ આગ્રહ કર્યો કે તેઓ વિદેશી માલ વેચવાનું ટાળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *