ઉદ્યોગકારોને રાહત મળવાના પણ સંકેત, કદ 4 લાખ કરોડે પહોંચશે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે રાજ્યનું ભાવિ નક્કી કરતું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું 41મું અને પોતાનું સતત ચોથું બજેટ રજૂ કરશે. આગામી ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને આ બજેટમાં કોઈ નવા વેરા નાખ્યા વિના મધ્યમ વર્ગ અને વેપારી આલમ માટે મોટી જાહેરાતો થવાની પૂરી સંભાવના છે.
બજેટનું કદ રેકોર્ડ સ્તરે પહોંચશે વિકાસની તેજ રફ્તાર જાળવી રાખવા માટે આ વખતે બજેટનું કદ રૂૂા. 4 લાખ કરોડની ઐતિહાસિક સપાટી વટાવી શકે છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ફાળવણીમાં મોટો વધારો જોવા મળી શકે છે. રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય ગુજરાતને દેશનું સૌથી મોટું આર્થિક હબ બનાવી રાખવાનું છે.
CT ઓફ ડુઈંગ બિઝનેસ અને વેરા રાહત તાજેતરમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે ગુજરાતના નિકાસકારો અને ઉદ્યોગકારો અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગોને ટકાવી રાખવા અને ’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા સરકાર કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં મહત્વની રાહત આપી શકે છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સરકાર પાસે ઉદાર વેરા નીતિની અપેક્ષા રાખવામાં આવી છે.
કેરળ અને મહારાષ્ટ્રની પેટર્ન પર નવી યોજના સૂત્રોના જણાવ્યા અનુસાર, નાના વેપારીઓ માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળ જેવા રાજ્યોએ જે રીતે ઉદાર વેરા માફી યોજનાઓ (એમ્નેસ્ટી સ્કીમ) જાહેર કરી છે, તેવી જ પેટર્ન પર ગુજરાત સરકાર પણ નવી યોજના લાવી શકે છે.
અગાઉની યોજનાઓને મોળો પ્રતિસાદ મળ્યો હોવાથી આ વખતે વેપારીઓને સીધો લાભ મળે તેવા ફેરફારો સાથેની સ્કીમ બજેટમાં જોવા મળી શકે છે. રિયલ એસ્ટેટ અને સ્ટેમ્પ ડ્યુટી રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અગાઉ અનેક સુવિધાઓ જાહેર કરાઈ હોવાથી, આ બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત જણાય છે. સરકારનું ધ્યાન નવા વેરા લાદવાને બદલે વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવીને આર્થિક ગતિવિધિઓ તેજ કરવા પર રહેશે.
