55 વર્ષ પૂરા કરનાર કર્મચારીઓની 11 મુદ્દાની માહિતી મગાવતી સરકાર

રાજ્ય સરકાર દ્વારા હવે જે કર્મચારીઓ 55 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ’પાણીચું’ પકડાવાની તૈયારી કરી છે. સરકાર દ્વારા એક…

રાજ્ય સરકાર દ્વારા હવે જે કર્મચારીઓ 55 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ’પાણીચું’ પકડાવાની તૈયારી કરી છે. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની વિગત મંગાવવામાં આવી છે. વિગતો મળ્યા બાદ સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. જેમાં જો કોઈ કર્મચારીની કામગીરી સંતોષજનક નહીં હોય, શિસ્તભંગના કેસ હોય અથવા ફરજ પ્રત્યે બેદરકારી જણાશે તો સરકાર એવા કર્મચારીઓને સમય પહેલાં નિવૃત્ત કરી ‘ઘરભેગા’ કરી શકે છે.

હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર ગ્રુપ-1થી ગ્રુપ-4 સુધીના એવા કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે. જેઓ 1 ઓક્ટોબર 2026થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય. સરકાર હવે આવા કર્મચારીઓના છેલ્લા કેટલાય વર્ષોના સેવા રેકોર્ડ, ગુપ્ત અહેવાલો, શિસ્તભંગની કાર્યવાહી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવાનો છે.

લાંબા સમયથી નબળી કામગીરી કરનાર અથવા બિનઉત્પાદક કર્મચારીઓ સામે કાર્યવાહી માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમામ વિભાગોને 30 મે 2026 સુધીમાં માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે. માહિતીના આધારે રાજ્ય સરકાર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *