ગાંધીનગર, 23 નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતા આર્થિક ભારણને ઘટાડવા મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીધા નેતૃત્વ અને મહેસુલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ નિર્ણયથી નવરચિત મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓ માટે સરકારી જમીન વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ સરળ બનશે.
નવરચિત 9 મહાનગરપાલિકાઓને મળશે લાભ
મહેસુલ વિભાગના તાજેતરના ઠરાવ મુજબ રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલી નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ; એમ 9 મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ, વહીવટી માળખાના નિર્માણ અને શહેરી વિકાસ માટે સરકારી જમીનની જરૂરિયાત ઊભી થઈ છે. નવી મહાનગરપાલિકાઓ પાસે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોવા તથા જમીન ખરીદવા માટે આર્થિક ભારણ ઊભું થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જાહેર સુવિધાઓ માટે જમીન મેળવવામાં રાહત મળશે અને વિકાસકાર્યો માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાને વેગ મળશે.
11 પ્રકારની નાગરિક સુવિધાઓ માટે જમીન ફાળવણી
નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ – પાણી પુરવઠાના કામો, સોલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામગીરી, બાળવાડી (આંગણવાડી), ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ શહેરના વહીવટી માળખાને મજબૂત બનાવવા, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાનું વિસ્તરણ કરવા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સુધારવા, અગ્નિશમન સેવા સુદૃઢ બનાવવા તથા સામાજિક અને સામુદાયિક સુવિધાઓ ઊભી કરવા માટે મહત્વપૂર્ણ છે.
એક હેક્ટર સુધી જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવાઈ
મહેસુલ વિભાગના ઠરાવ મુજબ, દર્શાવેલા હેતુઓ માટે એક હેક્ટરની મર્યાદામાં સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાય; તેવી જોગવાઈ કરવામાં આવી છે. એક હેક્ટરથી વધુ જમીનની માંગણી અથવા ગૌચર જમીનની માંગણીના કિસ્સામાં રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. જમીન ફાળવણીની કામગીરી ગુજરાત જમીન મહેસૂલ નિયમો, 1972ના સંબંધિત નિયમો અને ઠરાવમાં દર્શાવેલી જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. જમીન મેળવવા માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે કલેક્ટરને અરજી કરવાની રહેશે. આથી જમીન ફાળવણીની પ્રક્રિયાને વ્યવસ્થિત અને પારદર્શક વહીવટી માળખા હેઠળ આગળ ધપાવી શકાશે.
ગૌચર જમીન ફાળવણી અંગે પણ સ્પષ્ટ જોગવાઈ
જાહેર સુવિધાઓ માટે ગૌચર જમીનની જરૂરિયાત ઊભી થાય, તો ગૌચર નીતિ અને ઠરાવમાં દર્શાવેલી શરતો અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. ગૌચર જમીન ફાળવવામાં આવે તે કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. એક હેક્ટરથી વધુ જમીન અથવા ગૌચર જમીનની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી રહેશે.
જમીનની માલિકી સરકારની જ રહેશે
ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે. જમીનની માલિકી સરકારની જ રહેશે અને જમીનના ગામ નમૂના નં. 7માં કબજેદાર તરીકે ‘ સરકાર’ તથા અન્ય હક્કમાં ‘શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ’ દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ફાળવવામાં આવેલી જમીનનો નિર્ધારિત હેતુ માટે ઉપયોગ ન થાય અને સરકારને અન્ય જાહેર હેતુ માટે જમીનની જરૂરિયાત ઊભી થાય, તો ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ અનુસાર જમીન પરત લેવાની કાર્યવાહી કરી શકાશે.
પાંચ વર્ષ માટે નિયમોમાં ખાસ છૂટછાટ
મહેસૂલ વિભાગ દ્વારા જમીન ફાળવણીના નિયમોમાં આપવામાં આવેલી આ ખાસ છૂટછાટ ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન નવરચિત મહાનગરપાલિકાઓને જાહેર હિતની આવશ્યક અને વૈકલ્પિક સુવિધાઓ ઊભી કરવા માટે જમીન ફાળવણીની કાર્યવાહી આ ઠરાવની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવશે.
