રામરહીમ પર સરકાર મહેરબાન: ‘પેરોલ પે પેરોલ’ મળી રહી છે

બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠરેલો ગુરમીત રામ રહીમ સિંહ ફરી પેરોલ પર જેલની બહાર આવી ગયો છે. હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા…

બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠરેલો ગુરમીત રામ રહીમ સિંહ ફરી પેરોલ પર જેલની બહાર આવી ગયો છે. હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામરહીમને આ વખતે 21 દિવસના પેરોલ મળ્યા છે તેથી ફરી એકવાર જેલમાંથી બહાર આવી ગયા છે.

રામરહીમ બહાર આવતાં જ ભાજપના માથે પસ્તાળ પડવા માંડી છે કેમકે રામરહીમને ભાજપની મહેરબાનીથી આ 13મી વાર જામીન મળ્યા છે. આ કારણે ભાજપની ટીકા થાય એ બરાબર છે પણ બે વાત યાદ રાખવા જેવી છે. પહેલી વાત એ કે, રામરહીમ મૂળ ભાજપનું પાપ નથી. રામરહીમ મૂળ કોંગ્રેસે મોટો બનાવેલો પાપી છે.

બીજી વાત એ કે, રામ રહીમને તેનાં કુકર્મોની સજા પણ ભાજપ શાસન દરમિયાન જ મળેલી, બાકી કોંગ્રેસ શાસનમાં તો રામ રહીમનાં પાપોની ના તો તપાસ થઈ હતી કે ના કેસ થયો હતો. રામરહીમને જે સાધ્વી પર બળાત્કાર બદલ સજા થઈ એ કેસ તો છેક 2000ની સાલનો છે. સાધ્વીએ અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો ત્યારે તો સીબીઆઈને તપાસ સોંપાઈ. બાકી કોંગ્રેસના શાસનમાં તો રામરહીમને કશું નહોતું થયું. હરિયાણા અને પંજાબમાં વચ્ચેનાં વરસોમાં કોંગ્રેસની કેટલીય સરકારોલ આવી ને ગઈ પણ કોંગ્રેસે તો રામરહીમ સામેનો કેસ આગળ વધારવાની તસદી પણ નહોતી લીધી તેથી ભાજપ કરતાં વધારે દોષિત તો કોંગ્રેસ છે.

રામરહીમસિંહનો અનુયાયી વર્ગ હરિયાણા-પંજાબમાં બહુ વધારે છે. દલિતો પર તેમનો ભારે પ્રભાવ હોવાથી કોંગ્રેસ એક જમાનામાં તેમના પગમાં આળોટતી હતી. રામરહીમસિંહના અનુયાયીઓ એવા દલિત અને પછાત વર્ગની જંગી મતબેંકને કારણે કોંગ્રેસ તેમને સાચવ્યા કરતી હતી. આ કારણે રામરહીમ કોંગ્રેસની વધારે નજીક હતા. કોંગ્રેસના નેતાઓ સાથે તેમને અંગત સંબંધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *