ચાર જિલ્લામાં સરકારી હોસ્પિટલ પ્રાઇવેટને સોંપી નવી મેડિકલ કોલેજોને મંજૂરી

ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથની સરકારી હોસ્પિટલો અપગ્રેડ થશે; મફત સારવાર ચાલુ રખાશે રાજ્ય સરકારે તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી…

ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથની સરકારી હોસ્પિટલો અપગ્રેડ થશે; મફત સારવાર ચાલુ રખાશે

રાજ્ય સરકારે તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે ગુરુવારે ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં અસ્તિત્વમાં રહેલી સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને ચાર બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજો સ્થાપવાની મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (ઙઙઙ) મોડેલ હેઠળ અમલમાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ પસંદ થયેલી ખાનગી સંસ્થાઓ અસ્તિત્વમાં રહેલા સરકારી આરોગ્ય માળખા સાથે જોડાઈને આધુનિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિકસાવશે. ખેડા જિલ્લામાં અમદાવાદ સ્થિત શ્રી ગયાપ્રસાદ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરશે. મહિસાગર જિલ્લામાં કલોલ સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ (સ્વામિનારાયણ યુનિવર્સિટી હેઠળ)ને પસંદ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં વેરાવળના શ્રી ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોજેક્ટ હાથ ધરશે, જ્યારે બોટાદ જિલ્લામાં મોરબીના ભડીયાદ સ્થિત ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ સુવિધા વિકસાવશે.

સરકારે આ સંસ્થાઓ પર સ્પષ્ટ શરતો મૂકી છે. પસંદ થયેલી સંસ્થાઓએ હોસ્પિટલમાં અત્યારે ચાલી રહેલી તમામ મફત સેવાઓ ચાલુ રાખવી પડશે. ગર્ભવતી મહિલાઓને સંપૂર્ણ મફત સારવાર આપવી પડશે અને 20 દિવસથી એક વર્ષની ઉંમરના બાળકોની પણ મફત સારવાર સુનિશ્ચિત કરવી પડશે. દરેક હોસ્પિટલમાં ઓછામાં ઓછા 10 બેડવાળા ડાયલિસિસ યુનિટ ચલાવવા પડશે. ટ્રોમા અને અકસ્માતના દર્દીઓને તાત્કાલિક મફત સારવાર આપવી ફરજિયાત છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પંશેરિયાએ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ સરકારી હોસ્પિટલોમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ઉપલબ્ધતા વધારવાનો અને નાગરિકોને પોતાના જિલ્લામાં જ આધુનિક તબીબી સારવાર મળી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આ મેડિકલ કોલેજો ગ્રામીણ અને દૂરવર્તી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરશે તેમજ સ્થાનિક સ્તરે તબીબી શિક્ષણની સીટોમાં પણ વધારો થશે.
વધુમાં, દરેક હોસ્પિટલમાં દર્દી-કેન્દ્રિત સેવાઓના સંચાલન અને આયોજન માટે સંબંધિત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં નવી દર્દી કલ્યાણ સમિતિ (રોગી કલ્યાણ સમિતિ)ની રચના કરવામાં આવશે. આ સમિતિ હોસ્પિટલમાં સેવાઓની ગુણવત્તા અને દર્દીઓની સુવિધા પર નજર રાખશે.

આ મંજૂરી રાજ્યમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓના વિસ્તરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે. પસંદ થયેલી સંસ્થાઓ હવે આગળની પ્રક્રિયા શરૂૂ કરશે અને અસ્તિત્વમાં રહેલી સરકારી હોસ્પિટલોને આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ કરશે. આથી સ્થાનિક નાગરિકોને મોટા શહેરોમાં જવાની જરૂૂરિયાત વગર વિશેષજ્ઞ સારવાર મળી શકશે અને તબીબી શિક્ષણની તકો પણ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *