આસામમાં દરોડા પાડવા જઈ રહેલી પોલીસ ટીમને ગુગલ મેપે નાગાલેન્ડ પહોંચાડી દીધી. આ દરમિયાન મોટાભાગના પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં જ હતા. તેથી, જ્યારે ત્યાંના લોકોએ પોલીસ ટીમને આધુનિક હથિયારો સાથે જોઈ, તો તેઓ તેમને ગુનેગાર સમજી બેઠા અને તેઓ કોઈ ગુનો ન કરી શકે એ માટે લોકોએ તેમના પર હુમલો કરીને તેમને બંધક બનાવી લીધા.
એક અધિકારીએ જણાવ્યું કે આસામ પોલીસની 16 સભ્યોની ટીમ દરોડા પાડવા નીકળી હતી, તેઓ ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રસ્તા પર જતા, અજાણતામાં નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગયા.આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કરી દીધો અને તેમને આખી રાત બંધક બનાવી રાખ્યા. માહિતી અનુસાર, આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે રાત્રે એ સમયે બની, જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી.