યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એ એક મોટો નિર્ણય લેતા અને યુએસ સરકારે બોન્ડ ખરીદવા માટે તેની લિક્વિડિટી સપોર્ટ સ્કીમને બમણી કરવાની જાહેરાત કરતાં સોના ચાંદીમાં રાતોરાત તેજી જોવા મળી છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું 4585 પ્રતિ ઔંસ અને ચાંદી 69ને પાર કરી ગઈ છે. યુએસ ટ્રેઝરી દ્વારા બોન્ડ બાયબેક વધારવાના નિર્ણય બાદ બોન્ડ યીલ્ડ અને ડોલરમાં ઘટાડો થવાથી સોનાને મજબૂત ટેકો મળ્યો છે.
ગઈકાલે ચાંદીમાં 7000 રૂૂપિયાનો વધારો નોંધાયા બાદ આજે વધુ 4200 રૂૂપિયાનો વધારો નોંધાતા વાયદા બજારમાં પણ ચાંદીનો ભાવ ₹2,47,000 જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2,55,000 ને પાર થયો છે. સોનામાં પણ ભારે તેજી જોવા મળી રહી છે આજે પણ સોનામાં બીજા 1800 રૂૂપિયા વધતા રાજકોટની બજારમાં હાજર ભાવ 168000 ને પાર થઈ ગયો છે.
સોના ચાંદીના ભાવમાં આવેલી તેજીને કારણે આવનારા દિવસોમાં સોનું 5000 ડોલરની સપાટીએ પહોંચે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાંદી પણ 80 કે 85 ડોલર સુધી પહોંચે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકામાં 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં 1.13%નો તીવ્ર ઘટાડો થયો હતો. 30 વર્ષની બોન્ડ યીલ્ડ પણ છેલ્લા બે દાયકાની ઉંચી સપાટીથી નીચે આવી ગઈ છે.જ્યારે બોન્ડ યીલ્ડ ઘટે છે, ત્યારે સોનું રાખવાનો ખર્ચ (ઓપર્ચ્યુનિટી કોસ્ટ) પણ ઘટી જાય છે, જેથી રોકાણકારો સોના તરફ વધુ આકર્ષાય છે. આ જ કારણ છે કે, સોનાના ભાવ વધ્યા છે. જેોકે રીટિેલ માર્કેટમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે હાલ ભાવ વધતા લોકોના ખિસ્સાને પરવડે તેવી ધાતુ હવે સોનુ રહી નથી.
ત્યારે ફરી એક વખત સોના ચાંદીના વેપારીઓ તેમજ કારીગરો માટે મુશ્કેલ દિવસો આવી શકે છે. બીજી બાજુ આજે શેર બજારમાં ખાસ વધઘટ જોવા મળી ન હતી. જ્યારે બ્રેન્ટ ક્રૂડમાં થોડો ઘટાડો નોંધાયો છે.
ઓગસ્ટની શરૂઆતથી તેજી ચાલુ: 21 દિવસમાં ચાંદીમાં 30,000 અને સોનામાં 20,000નો વધારો
સોના અને ચાંદીના ભાવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 21 દિવસમાં ચાંદીમાં આશરે 30,000 રૂપિયા અને સોનામાં લગભગ 20,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે પણ બંને ધાતુઓના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.60 લાખની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 2.44 લાખથી 2.55 લાખની રેન્જમાં વેપારાઈ રહ્યો છે. આ વધારાના મુખ્ય કારણોમાં અમેરિકન ડોલરની નબળાઈ, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો, વૈશ્વિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં વધારો સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બુલિયનના ભાવમાં તેજી આવતાં સ્થાનિક બજારમાં પણ અસર જોવા મળી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો વર્તમાન માહોલ ચાલુ રહે તો સોનું આ વર્ષના અંત સુધીમાં 1.70 લાખની સપાટી સુધી પહોંચી શકે છે. જોકે, ઊંચા ભાવે નફાખોરીની શક્યતા પણ રહેલી છે.
