ભારત, અમેરિકા ઉપરાંત ચીન, જાપાન અને યુરોપના દેશોના શેર બજારમાં પણ મોટા કડાકા, 4 ટ્રીલિયન ડોલરનું ધોવાણ
એપલનો શેર 5%, સીસ્કો 11% સહિત ભારતની તમામ આઇટી કંપનીના શેરોનું ધોવાણ, 52 વીકના તળીયે
એઆઇના વિક્ષેપના કારણે અમેરિકા, ભારત સહિત વિશ્ર્વભરના શેર બજારમાં મોટા ગાબડા પડ્યા છે. અનેક કંપનીના શેર પણ 52 સપ્તાહના તળીયે પહોંચી ગયા છે. શેર બજારની સાથે સાથે ગત રાત્રે સોના-ચાંદીમાં પણ મોટી ઉથલ પાથલ જોવા મળી છે. ગત રાત્રે ચાંદીમાં 28 હજાર અને સોનામાં 5 હજારનો કડાકો બોલી ગયો હતો. આજે ભારતીય શેર બજારમાં પણ 800 પોઇન્ટો કડાકો ખુલતાની સાથે બોલી જતા હાહાકાર મચી ગયો હતો. વિશ્ર્વક શેર બજારોમાં ગાબડા પડતા એક દિવસમાં વિશ્ર્વની 4 ટ્રીલિયન ડોલરની ઇકોનોમીનુ ધોવાણ થઇ ગયુ હતું.
બીજી બાજુ આજે ભારતીય શેર બજારની શરૂઆત ભારે વેચવાલી સાથે થઇ હતી સેન્સેકસમાં 900 પોઇન્ટનુ ગાબડુ જોવા મળ્યુ હતુ જયારે નીફટી પણ 282 પોઇન્ટ નીચે સરકી જતા અનેક દિગ્ગજ કંપનીના શેર ધડામ કરતા નીચે પડ્યા છે. બેંક નિફટી પણ 400 પોઇન્ટ નીચે જોવા મળી છે. આજે શેર બજારમાં માત્ર 320 શેરમાં ખરીદારી જોવા મળી છે. જયારે 2140 શેરમાં વેચવાલી જોવા મળી છે. ગઇકાલે આઇટી શેરમાં મોટા કડાકા જોવા મળ્યા બાદ આજે પણ 5% શેરો તૂટ્યા છે. ઉપરાંત નિફટી રીયલ્ટી 3.60% અને નીફટી મેટલ 3.35 % નીચે જોવા મળી રહ્યો છે. આઇટી કંપનીની વાત કરીએ તો ઓરેકલ શેરનો ભાવ પણ આજે 360 રૂપિયા તૂટ્યો છે. એચસીએલ ટેક 67 રૂપિયા, વિપરો 10 રૂપિયા, ઇન્ફોસીસ 84 રૂપિયા, ટીસીએસ 136 રૂપિયા તૂટ્યો છે. એટલે કે આ તમામ શેર 52 વિકના તળીયે પહોંચી ગયા છે. આઇટી કંપનીના શેર ગગડતા અન્ય કંપનીના શેર પણ નીચે જોવા મળ્યા છે. અદાણી કંપનીના શેર પણ નીચે જોવા મળી રહ્યા છે. રીલાયન્સ શેર પણ નીચે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
ગઇકાલે અમેરિકન શેર બજારમાં એઆઇના વિક્ષેપના કારણે ભારે વેચવાલીના પગલે ડાઉ જોન્સ 669 પોઇન્ટ અને નાસ્ડેક 469 પોઇન્ટ નીચે બંધ આવ્યો હતો. એઆઇ વિક્ષેપના ભયના કારણે તેમજ મોટા પ્રમાણમાં નોકરીની તકો જતી રહેશે. તેવી અટકળો વચ્ચે એપલનો શેર 5% તૂટ્યો હતો. એપ્રિલ 2025 પછી એપલ શેરમાં આ સાંથી મોટો કડાકો હતો. સીસ્કોનો શેર પણ 11% તૂટ્યો છે.
બીજી તરફ અમેરિકન બજારના પગલે સમગ્ર વિશ્ર્વભરના માર્કેટ તૂટી ગયા છે. બીજી તરફ વિશ્ર્વભરના શેર બજારમાં વેતવાલીનું જોર વધ્યુ છે. અમેરિકી માર્કેટના પગલે જાપનનું સ્ટોક માર્કેટ નીકેઇ… પણ 468 પોઇન્ટ નીચે જોવા મળ્યો છે. ચીનની માર્કેટ હેંગસેંગ 516 પોઇન્ટ નીચે જોવા મળ્યુ છે. યુરોપીયન માર્કેટ પણ આજે નીચે ખુલવા પામ્યુ છે. એ ઉપરાંત ડેકસ 24852 પર નીચે ખુલ્યો છે. જે રીતે વિશ્ર્વભરમાં આઇટી કંપનીઓના શેરમાં કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં માર્કેટ હજૂ પણ નીચે ગબડી પડે તેવી સંભાવના જોવા વ્યકત કરવામાં આવી છે.
ચાંદીમા રાત્રે રૂા. 28000 તૂટ્યા બાદ આજે રૂા.6000ની રીકવરી
શેર બજારમાં મોટા કડાકાના પગલે ગત રાત્રે ચાંદી અને સોનામાં પણ મોટા કડાકા બોલી ગયા હતા. ચાંદી રાત્રે 28000 તૂટી હતી જયારે સોનામાં પણ 5000નો કડાકો બોલી ગયો હતો. ગત રાત્રે ચાંદીના ભાવમાં અચાનક કડાકો આવ્યો હતો અને 262000 હજારથી ઘટીને 234000 સુધી આવી ગય હતી. સોનામાં પણ 159000થી ઘટીને 153000 સુધી સોનુ આવી ગયુ હતું. જોકે આજે સવારના સત્રમાં સોનામાં 1500 રૂપિયા અને ચાંદીમાં 6000નો વધારો જોવા મળ્યો હતો.
