વઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ગયાં છે, ત્યારે વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલ ઉમઇ નદીમાં પણ હાલ પાણીની ભરપૂર આવક…

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ગયાં છે, ત્યારે વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલ ઉમઇ નદીમાં પણ હાલ પાણીની ભરપૂર આવક થઈ હોવાથી પાંચ રાજસ્થાની યુવકો નદીમાં નહાવા ગયા હતા, જેમાં 4 યુવકોના નદીમાં ડૂબી જતાં કરુણ મૃત્યુ નીપજ્યા છે.

વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમઇ નદીમાં નહાવા ગયેલા 4 યુવાનો ડૂબી જતાં મોત નીપજ્યા હોવાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવેલા આ યુવકો નગરા ગામ પાસે આવેલ નદીમાં નહાવા પડ્યા હતા, પરંતુ આગળ પાણી ઊંડું હોવાથી અચાનક જ ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. તે સમયે નદીના કિનારે રહેલા અન્ય એક યુવકે બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવકોને બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ એક પણ યુવકને બચાવી શકાયો ન હતો. એક સાથે 4 યુવકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ બનાવ અંગે નગરા ગામના સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, નગરા ગામ પાસે આવેલ એક સોલાર પ્લાન્ટમાં રાજસ્થાનથી મજૂરી કામ અર્થે આવેલા પાંચ યુવકો ઉમઇ નદીમાં નહાવા માટે ગયા હતા, જેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી એક યુવક નહાવા માટે ગયો ન હતો, જ્યારે અન્ય 4 યુવકો એકસાથે નદીમાં નહાવા પડ્યા હતા. નદીમાં પાણી વધુ હોવાથી અને અજાણી જગ્યા હોવાથી યુવકો કંઈ સમજે તે પહેલા જ ચારેય યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

બનાવ સમયે નદીના કિનારે ઊભેલા અન્ય યુવકે બૂમાબૂમ કરતા આસપાસમાંથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવકને બચાવવા પ્રયાસો કર્યા હતા. બાદમાં સ્થાનિકોએ એક સાથે 4 યુવકો ડૂબવા અંગે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરતા ફાયર વિભાગના તરવૈયાઓ સાથે સ્થાનિક પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી, જોકે તમામ લોકોની ભારે જહેમત બાદ પણ નદીના પાણીમાંથી યુવકોને મૃત હાલતમાં જ બહાર કઢાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *