પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઇરાતે નિધન થતા વ્યકિતત્વ અને ક્ધટવિની કદર કરી જાણનારા લોકો માટે મોટો આંચકો છે. વડાપ્રધાન તરીકે તેમના દસ વર્ષના કાર્યકાળમાં ટેલીકોમ કૌભાંડ, કોલસા કૌભાંડ જેવા પ્રકરણોથી તેમની છબી ખરડાઇ હતી પણ વ્યક્તિગત રીતે તેમની સામે ભ્રષ્ટાચારની આંગળી ચિંધવાની હિંમત કોઇ કરી શકે નહીં, ગઠબંધનની મજબુરી અને સોનિયા ગાંધીની સમાંતર સત્તાથી તેમના હાથ ઘણા અંશે બંધાયેલા રહ્યા હતા.
તેમના નાણામંત્રી તરીકેના અને વડાપ્રધાન તરીકેની સિધ્ધીઓ ઇતિહાસમાં અંકિત રહેશે. 2014માં હોદો છોડયો ત્યારે તેમને પત્રકાર પરિષદમાન ભાવુક અવાજે કહ્યું હતું કે હિસ્ટ્રી વિલ બી કાઇન્ડર ટુ મી. ડો.સિંહની આ ભવિષ્યવણી અથવા છેલ્લી ઇચ્છા ઇતિહાસ પુરી કરી શકે છે કે નહીં તે કહેવું અઘરૂં છે પણ તેમના વિધાનમાં ભારોભર વિનમ્રતા અને નખશીખ પ્રમાણિકતા દેખાતી હતી. એક સામાન્ય પરિવારમાંથી આવતા મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. પંજાબથી તેઓ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા.
તેમણે 1957માં અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. વર્ષ 1971માં, મનમોહન સિંહ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા.
તે જ સમયે, 1972 માં, તેમણે નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કામ કર્યું. મનમોહન સિંહે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, નાણાં મંત્રાલયમાં સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, વડાપ્રધાનના સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ સહિત વિવિધ સરકારી હોદ્દા સંભાળ્યા છે. સિંહ 1991 થી 1996 દરમિયાન ભારતના નાણામંત્રી પણ હતા. મનમોહન સિંહને આજે આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂૂ કરવામાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.
મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી બાદ 22 મેના રોજ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે 22 મે, 2009ના રોજ બીજી મુદત માટે પદના શપથ લીધા હતા. તેઓ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. ડો. મનમોહન સિંઘને આપવામાં આવેલા ઘણા પુરસ્કારો અને સન્માનોમાં, સૌથી અગ્રણી ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણ (1987) હતો.
આ ઉપરાંત, તેમને ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર સહિત અન્ય ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.