ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સફળતાથી દુનિયાના વિકસિત દેશો આશ્ચર્યચકિત છે. જોકે, તાજેતરમાં ઈંજછઘ ના બે મહત્વના મિશનોમાં આવેલી ટેકનિકલ ખામીઓ અને તેમની નિષ્ફળતા પાછળ કોઈ અદ્રશ્ય વિદેશી હાથ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ માત્ર ટેકનિકલ નિષ્ફળતા છે કે પછી કોઈ સુનિયોજિત તોડફોડ, તેની તપાસ કરવા માટે વડાપ્રધાન મોદીએ દેશના સૌથી વિશ્વાસુ સુરક્ષા નિષ્ણાત અજીત ડોભાલને જવાબદારી સોંપી છે. અજીત ડોભાલની એન્ટ્રી એ વાતનો સંકેત છે કે આ મામલો માત્ર વિજ્ઞાનનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જાસૂસી સાથે જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો, ભારતીય સ્પેસ પ્રોગ્રામ હંમેશા વિદેશી ગુપ્તચર એજન્સીઓના નિશાના પર રહ્યો છે. 1990 ના દાયકામાં થયેલો કુખ્યાત ’ઈસરો જાસૂસી કેસ’ તેનું જ્વલંત ઉદાહરણ છે, જેમાં વૈજ્ઞાનિક નંબી નારાયણનને ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તે સમયે ભારતની ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજીને રોકવા માટે આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં જ્યારે ભારત ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશનો દ્વારા વિશ્વમાં પોતાની ધાક જમાવી રહ્યું છે, ત્યારે ફરી એકવાર આવી જ પ્રવૃત્તિઓ સક્રિય થઈ હોવાની શક્યતા છે. ગુપ્તચર સંસ્થાઓને શંકા છે કે મિશનના સોફ્ટવેર સાથે છેડછાડ અથવા જટિલ ઉપકરણોના સપ્લાયમાં કોઈ વિદેશી એજન્સીએ અવરોધ ઉભો કર્યો હોઈ શકે છે.
અજીત ડોભાલની તપાસ હેઠળ અત્યારે તે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં બહારની દખલગીરીની શક્યતા હોય.
ખાસ કરીને સાયબર હુમલાઓ અને ડેટા ચોરીના જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતના વધતા જતા કદને કારણે પાડોશી દેશો અને પશ્ચિમી દેશોની કેટલીક એજન્સીઓ ભારતની સસ્તી અને સચોટ અવકાશ ટેકનોલોજીથી ચિંતિત છે. જો તપાસમાં સાબિત થાય છે કે આ મિશનો વિદેશી ષડયંત્રનો શિકાર બન્યા છે, તો તે વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી મુદ્દો બની શકે છે. ભારત સરકાર હવે પોતાના સ્પેસ પ્રોગ્રામ્સને સુરક્ષિત કરવા માટે નવું પ્રોટોકોલ તૈયાર કરી રહી છે જેથી ભવિષ્યમાં આવા કોઈ પણ ખતરાને અટકાવી શકાય.
