માળિયા, હળવદ, મોરબી, ટંકારા, વાંકાનેર તાલુકામાં ખેડૂતોને ટેલિગ્રાફ એકટની જોગવાઇ મુજબ વળતર ન ચૂકવી ધરાર નખાતા વીજપોલ
હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ (અદાણી) કંપનીને પોલીસે પ્રોટેક્શન આપી વિરોધ-દેખાવો કરનાર ખેડૂતોને ડિટેન કરી લેવાયા
મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી અથવા તો ઓછું આપવામાં આવે છે જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવે છે અને પહેલા પૂરું વળતર આપવામાં આવે ત્યાર પછી કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો કે, કંપનીના માણસો દ્વારા પોલીસનો બંદોબસ્ત લઈને કામ ચાલુ કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેથી પોલીસે તેઓને ડિટેઇન કર્યા હતા. પોલીસે ધરતીપુત્રો ઉપર બળપ્રયોગ પણ કરતા ખેડૂતોમાં આક્રોષ ભભૂકી ઉઠ્યો છે.
મોરબી જિલ્લાના માળીયા, હળવદ, મોરબી, ટંકારા વાકાનેર તાલુકા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે. જો કે, મોટાભાગની જગ્યાએ ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવ્યું નથી અથવા તો વળતર આપવામાં જ આવ્યું નથી. અને કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દરમ્યાન આજે મોરબીના જેતપર ગામે વળતરને લઈને ખેડૂતોએ વીજલાઈન અને પોલ ઊભા કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે, જો કલેકટરના ઓર્ડર અને ડીએલવીસીએ નક્કી કરેલા ભાવ મુજબ કામ કરવામાં આવે અને વળતર આપવામાં આવે તો ખેડૂતોને મોટું નુકશાન થાય છે જેથી ખેડૂતોને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી ખેતરમાં અમો કામગીરી કરવા દેવાના નથી તેવી ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને ખેડૂતોને સમજાવવા માટે મોરબીના પ્રાંત અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવવા છતાં તેઓ કામ ચાલુ કરવા દેતા ન હતા જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી મહિલાઓ અને ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા.
આમ ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેમ છતાં પણ પોલીસનો બળ પ્રયોગ કરીને ખેડૂતના ખેતરોની અંદર વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોમાં ભારો ભાર રોષની લાગણી છે.
ગઇકાલે ખેડૂતો સાથે માલસામાન ઉતારવા બાબતે ડખ્ખો થતા ટ્રક રવાના થઇ ગયા’તા
મોરબી તાલુકાના જેતપર ગામે ગઇકાલે બપોરે ખેડૂત અને ખાનગી કંપની વચ્ચે રકઝક થયાનો મામલો સામે આવ્યો હતો. હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ (અદાણી) કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં માલ-સામાન ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, જાગૃત ખેડૂતે કંપનીની આ કામગીરીનો સખત વિરોધ કરી સામાન ઉતારવા દીધો ન હતો અને કાયદાકીય વળતરની માંગ પર અડગ રહ્યા હતા. ગઇકાલે બપોરે 3:00 વાગ્યાની આસપાસ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીનો માલ-સામાન ભરેલો ટ્રક જેતપર ગામે ખેડૂતના ખેતરે પહોંચ્યો હતો. ત્યારે ખેડૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈઓ મુજબ ખેડૂતને સંપૂર્ણ વળતર ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી કંપનીનો માલ-સામાન ખેતરમાં ઉતારવા દેવામાં આવશે નહીં. ખેડૂતના મક્કમ વલણ અને કાયદાકીય માંગણી સામે કંપનીના કર્મચારીઓએ પીછેહઠ કરવી પડી હતી. પરિસ્થિતિ વધુ ન બગડે અને મામલો શાંત રહે તે હેતુથી કંપનીએ પોતાનો માલ-સામાન ભરેલો ટ્રક ત્યાંથી પાછો લઈ લીધો હતો. ખેડૂતની આ જાગૃતતાને પગલે હાલ પૂરતો આ વિવાદ શાંત પડ્યો હતો. જો કે, બીજા દિવસે આજે પોલીસ પ્રોટેકશન હેઠળ વીજકંપનીના કોન્ટ્રાક્ટરોએ કામ ચાલુ કરી દીધુ હતું.
