સંસદના વિશેષ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ હરિવંશ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક પળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થવાનું છે.
વરિષ્ઠ પત્રકારમાંથી રાજનેતા બનેલા હરિવંશ નારાયણ સિંહે આજે એક નવો ઈતિહાસ રચી દીધો છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદ માટે તેઓ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિરોધ પક્ષ દ્વારા આ પદ માટે કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવતા તેમની બિનહરીફ વરણી નિશ્ચિત થઈ ગઈ હતી. જેની આજે સવારે 11 વાગ્યે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભારતના સંસદીય ઈતિહાસમાં રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હોય, એવું પહેલીવાર બન્યું છે.
હરિવંશ નારાયણ સિંહનો ગત કાર્યકાળ (જે જનતા દળ યુનાઇટેડના ક્વોટામાંથી હતો) 9 એપ્રિલ 2026 ના રોજ સમાપ્ત થયો હતો. આ વખતે તેમની રાજ્યસભામાં પહોંચવાની અને ઉપાધ્યક્ષ બનવાની સફર અગાઉ કરતા અલગ રહી છે. તેનું કારણ એ છે કે, 10 એપ્રિલ 2026ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા તેમનું નામાંકન કર્યું હતું. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026 માં પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠક પર તેમણે લોકસભામાં શપથ લીધા હતા. દેશના સંસદીય ઈતિહાસમાં હરિવંશ સિંહ એવા પ્રથમ નિમેલા સભ્ય બન્યા છે, જેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જેવી મહત્ત્વની બંધારણીય જવાબદારી સંભાળી રહ્યા છે.હરિવંશ સિંહના પુન:પસંદગી અંગે વડાપ્રધાન મોદીએ ગૃહમાં કહ્યું કે, હરિવંશજીનો જન્મ જયપ્રકાશ નારાયણ (ઉંઙ) ના ગામમાં થયો છે અને તેમનું જાહેર જીવન તેમના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. સતત ત્રીજી વખત ચૂંટાવું એ ગૃહનો તેમના પ્રત્યેના અતૂટ વિશ્વાસનો પુરાવો છે. તેમની સહજ કાર્યશૈલી અને સૌને સાથે લઈને ચાલવાના પ્રયાસોથી રાજ્યસભાની ગરિમા વધી છે.
એક તરફ હરિવંશ સિંહની વરણી પર ખુશી વ્યક્ત કરાઈ, તો બીજી તરફ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ઘેરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, લોકસભામાં હજુ સુધી ઉપાધ્યક્ષ પદ કેમ ખાલી છે? તેમણે આ બાબતને સંસદીય પરંપરાઓ વિરુદ્ધ ગણાવી દુ:ખ વ્યક્ત કર્યું હતું.
