ભારતની આગામી વસ્તી ગણતરી 2027માં ઐતિહાસિક બદલાવ જોવા મળશે. પહેલી વખત નાગરિકોને પોતાની વિગતો ઓનલાઈન ભરવાની સુવિધા મળશે. આ ડિજિટલ સ્વ-ગણતરી (સેલ્ફ એન્યુમરેશન)ની સુવિધા હાઉસ લિસ્ટિંગ તબક્કામાં ઉપલબ્ધ રહેશે, જેનાથી ગણતરી વધુ ચોક્કસ, પારદર્શક અને ઝડપી બનશે.
મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, “વસ્તી ગણતરી 2027 ચોકસાઈ, પારદર્શિતા અને ડિજિટલ ગવર્નન્સમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.” તેમણે વધુમાં કહ્યું કે, ડિજિટલ ટૂલ્સના ઉપયોગથી આ પ્રક્રિયા અગાઉની તુલનામાં ઘણી ઝડપી થશે, જે સામાન્ય રીતે ત્રણ-ચાર વર્ષ લેતી હતી.
ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (HLO) એપ્રિલ-મે 2026માં શરૂૂ થશે. આ તબક્કા દરમિયાન નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાના ઘર અને પરિવારની માહિતી સ્વયં ભરી શકશે. ત્યારબાદ બીજા તબક્કામાં વસ્તી ગણતરીનું કામ હાથ ધરાશે.
આ અંગે ગાંધીનગરમાં મંગળવારે મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઋતુન્જયકુમાર નારાયણ, એસીએસ રેવન્યુ ડો. જયંતી રાવી અને ગુજરાતના ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા સહિત ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સ હાજર રહ્યા હતા.
આ ડિજિટલ પહેલથી ગણતરીની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે અને લોકોને સરળતાથી ભાગ લેવાની તક મળશે. સરકારના આ પગલાથી વસ્તી ગણતરીની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં વધારો થવાની અપેક્ષા છે. આગામી દિવસોમાં ઓનલાઈન પોર્ટલ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે.
