રાજ્યના તમામ હાઇવે હોટલ-ઢાબા પર ફૂડ વિભાગની સર્જીકલ સ્ટ્રાઇક

રાજ્યમાં પ્રવાસ દરમિયાન હાઈવે પરની હોટલોમાં જમતા મુસાફરો અને પરિવારજનોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકારના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા…

રાજ્યમાં પ્રવાસ દરમિયાન હાઈવે પરની હોટલોમાં જમતા મુસાફરો અને પરિવારજનોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકારના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ’હોટેલ સ્વચ્છતા અભિયાન’ની શરૂૂઆત કરવામાં આવી છે. આ સામૂહિક ડ્રાઈવ હેઠળ રાજ્યના 26 મુખ્ય સ્ટેટ હાઈવે પર આવેલી તમામ હોટલોમાં ફૂડ વિભાગની 184 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. દિવાળી પહેલાં કરવામાં આવેલા આયોજન અને બેઠકો બાદ આજથી આ અભિયાનનું સીધું અમલીકરણ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

આ અભિયાન દરમિયાન અધિકારીઓ દ્વારા હોટલોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા, ડુપ્લીકેટ કે ભેળસેળયુક્ત વસ્તુઓ, રસોડા અને સ્ટોરની સ્વચ્છતા તેમજ વેઈટર અને અન્ય કર્મચારીઓ દ્વારા ગ્લોવ્ઝ પહેરવા સહિતના હાઈજીનના નિયમોની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. મુસાફરો હાઈવેની હોટલોમાં મોટાભાગે એક જ વખત રોકાતા હોવાથી કેટલાક સંચાલકો દ્વારા અસ્વચ્છ અને અનહાઈજેનિક ખોરાક પીરસવામાં આવતો હોવાની બાબત તંત્રના ધ્યાને આવી હતી. જે હોટલો સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે તેમને અભિનંદન પાઠવતા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગંદકી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

ચેકિંગ દરમિયાન જો કોઈ હોટલમાં ગંદકી કે નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો તે હોટલને ’સેલ્ફ ક્લોઝ’ કરાવીને એક કે બે દિવસ માટે બંધ રાખવાની ફરજ પાડવામાં આવશે અને સંપૂર્ણ સફાઈ બાદ જ બીજા કે ત્રીજા દિવસે તેને ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ હોટલ સંચાલક આ સૂચનાઓનું પાલન નહીં કરે, તો તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂૂર પડ્યે હોટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરતા પણ વિભાગ અચકાશે નહીં. ગ્રાહકોને સ્વચ્છ અને હાઈજેનિક ખોરાક મેળવવાનો પૂર્ણ અધિકાર હોવાનું જણાવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂૂ કરાયેલા આ અભિયાનમાં સહયોગ આપવા હોટલ માલિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. હોટલ સંચાલકો ગ્રાહકને ભગવાન માનીને સામેથી જ સ્વચ્છતા જાળવે અને શ્રેષ્ઠ ખોરાક પીરસે, જેથી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય અને ગુજરાતની હોટલો સ્વચ્છતાની બાબતમાં સમગ્ર ભારતમાં એક ’રોલ મોડેલ’ તરીકે ઉભરી આવે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

નાગરિકો-મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં ચલાવાય : પ્રફુલ પાનશેરીયા
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, સામાન્ય નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં અથવા બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. તપાસણી દરમિયાન જ્યાં પણ શંકાસ્પદ જણાય ત્યાં ત્વરિત ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવશે. એટલું જ નહીં, ફૂડ સેફ્ટી એક્ટના ’શિડ્યુલ-4’ ની જોગવાઈઓનો ભંગ કરનારા એકમો સામે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાથી લઈને લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી ધોરણે રદ કરવા સુધીની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *