સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને સ્થાનિક આગેવાન પીઠાભાઈ બથવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. તેમણે પોતાના વીડિયો સંદેશ મારફતે વર્તમાન સરકાર અને ભાજપના સ્થાનિક હોદ્દેદારો સામે ગંભીર સવાલો ઉઠાવીને તીખા પ્રહારો કર્યા છે અને જનતાના પડતર પ્રશ્નો અંગે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે.
માત્ર નેતાગીરી કરવાને બદલે પ્રજાના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવાની આ આકરા શબ્દોની સલાહે પંથકના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ દ્વારા જ પક્ષની સ્થાનિક કાર્યશૈલી સામે અવાજ ઉઠાવાતા ભાજપ આંતરિક રીતે બેકફૂટ પર આવી ગયું હોવાની ચર્ચાઓ જોરપકડ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પીઠાભાઈ બથવારે સ્થાનિક નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા પેપર લીક અંગે જે કડક કાયદો અમલમાં મૂકાયો છે તે આવકારદાયક છે અને આ મુદ્દે પાર્ટી દ્વારા તમામ હોદ્દેદારોને વીડિયો જાહેર કરવા સૂચના અપાઈ હતી. પરંતુ માત્ર સોશિયલ મીડિયામાં પ્રચાર કરીને હોદ્દાઓ ભોગવવામાં મસ્ત રહેતા નેતાઓ પ્રજાના વાસ્તવિક પ્રશ્નો તરફ આંખ આડા કાન કરી રહ્યા છે. તેમણે વધુમાં કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, વિધવા સહાય અને ગંગા સ્વરૂૂપ યોજનાઓ હેઠળ મળતું પેન્શન ઘણા સમયથી અટકી ગયું છે.
જેને કારણે વિધવા બહેનો અને વૃદ્ધ લાભાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક હોદ્દેદારોએ માત્ર પદ મેળવવા માટે સક્રિય રહેવાને બદલે આવા સંવેદનશીલ મુદ્દે યોગ્ય રજૂઆત કરી લાભાર્થીઓને સમયસર સહાય અપાવવી જોઈએ.
