સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટ માટે સ્પષ્ટ સમયસીમા નક્કી કરે, જેથી દેશમાં એસિડ એટેક સાથે જોડાયેલા કેસોની સુનાવણી વહેલી તકે પૂર્ણ થઈ શકે. અદાલતે કહ્યું કે આવા કિસ્સાઓમાં વધુ સક્રિય અને સંવેદનશીલ અભિગમની જરૂૂર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની પીઠે વિવિધ હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટ્સ પર ધ્યાન આપ્યું હતું, જેમાં પેન્ડિંગ કેસો અને તેમની વર્તમાન સ્થિતિની જાણકારી આપવામાં આવી હતી. અદાલતે નિર્દેશ આપ્યો કે એસિડ એટેક કેસોની સુનાવણીની દેખરેખની જવાબદારી એ હાઈકોર્ટના જજોને સોંપવામાં આવે, જેઓ ટ્રાયલ કોર્ટના વહીવટી પ્રભારી છે.
પીઠે રાજ્યોને અંતિમ તક આપતા કહ્યું કે તેઓ એસિડ એટેક પીડિતોને પર્યાપ્ત વળતર આપવા સંબંધિત નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે. આ સુનાવણી હરિયાણાની રહેવાસી એસિડ એટેક પીડિતા શાહીન મલિક દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (ઙઈંક) પર થઈ રહી હતી.
સુનાવણી દરમિયાન અદાલતે મલિકને તેમના વ્યક્તિગત કેસની સ્થિતિ વિશે પણ પૂછ્યું હતું. તેમણે જણાવ્યું કે રોહિણી ટ્રાયલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો, જેની સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. અદાલતે વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લુથરાને વિનંતી કરી કે તેઓ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં પીડિતાનું પ્રતિનિધિત્વ ‘પ્રો બોનો’ એટલે કે નિ:શુલ્ક કરે. લુથરાએ આ માટે સંમતિ દર્શાવી હતી. એક કેસ દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કર્યો.
સુપ્રીમ કોર્ટે અન્ય એક કેસમાં હરિયાણાના ભિવાનીની કોર્ટમાં ચાલી રહેલા ફોજદારી કેસને દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ પણ આપ્યો હતો. અદાલતે કહ્યું કે પીડિતાની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિને જોતા તેના માટે હરિયાણામાં કાર્યવાહીમાં સામેલ થવું મુશ્કેલ છે.
