ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું સપનું જોતી નાગપુરની રહેવાસી 17 વર્ષની ક્રિકેટર અદિતિ મોરેશ્વર ચૌકાંડેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્શન ન થતા તે ભારે તણાવમાં હતી. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, “મારું સિલેક્શન થયું નહીં…” આ ઘટનાએ રમત જગત અને શહેર હચમચાવી નાખ્યા છે.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હકીકતમાં બુધવારે સવારે આશરે સાડા પાંચ વાગ્યે શહેરના લક્ષ્મીનગર સ્થિત જન મંદિર પાસે ઉમાલક્ષ્મી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતી અદિતિ મોરેશ્વર ચૌકાંડેએ (17) ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અદિતિ મૂળ મહારાષ્ટ્રના અકોલાની રહેવાસી હતી અને છેલ્લા બે વર્ષથી પોતાની મા સાથે નાગપુરમાં રહીને સુર્વે ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહી હતી. તેનું સપનું મોટા સ્તરે ક્રિકેટ રમવાનું હતું, જ્યારે તેનો ભાઈ પણ ક્રિકેટનો ખેલાડી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાલમાં જ વિદર્ભ ક્રિકેટ એસોસિએશનની પસંદગી પ્રક્રિયામાં નામ ન આવતા, તે ઘણી નિરાશ અને માનસિક તણાવમાં હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેણે લખ્યું કે તેનું સિલેક્શન થયું નહોતું. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. બજાજનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચેતન ચૌહાણે કહ્યું છે કે, તપાસ પૂર્ણ થયા પછી જ આત્મહત્યાના સાચા કારણની પુષ્ટિ થઈ શકશે.
