ભારતીય શેરબજારમાં આજે હાહાકાર મચી ગયો હતો. આજે આઇટી શેરોમાં મોટા કડાકા થતા ભારતીય શેરબજારમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. રોકાણકારોમાં પણ ફફડાટ વ્યાપી જતા તમામ સેકટરના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળતા સેન્સેકસ અને નિફટી પટકાયા હતા. નિફટી આઇટી 5 ટકા તુટતા તેની અસર શેરબજારની અન્ય સ્ક્રીપ્ટ ઉપર પણ જોવા મળતા શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
આઈટી સેક્ટરના શેરોમાં આજે જબરદસ્ત વેચવાલી જોવા મળી છે. 24 ફેબ્રુઆરીના રોજ સતત પાંચમા દિવસે આઈટી શેરો તૂટ્યા હતા. સવારના સત્રમાં જ નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 5% નો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા નવા દાવાઓ છે, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. રોકાણકારોને ડર છે કે એઆઇના કારણે પરંપરાગત આઈટી કંપનીઓના બિઝનેસ મોડલ પર મોટું જોખમ ઉભું થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા શેરો સૌથી વધુ તૂટ્યા અને માર્કેટમાં શું ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે, આ વર્ષના શરૂૂઆતના બે મહિનામાં જ આઈટી શેરોમાં 10% થી લઈને 20% સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે. આઇટી શેરોની સાથે સાથે આજે નિફટી મેટલ, નિફટી ફાર્મા, નિફટી એનર્જીના શેરોને બાદ કરતા તમામ સેકટરમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડીગો, ટાટા કંપનીના શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
આ ઘટાડા પાછળ અમેરિકન એઆઇ કંપની એન્થ્રોપિકનું એક નિવેદન જવાબદાર માનવામાં આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમના ’ક્લાઉડ કોડ’ ટુલ્સ જૂના સોફ્ટવેર સિસ્ટમને મોડર્ન (આધુનિક) બનાવવાની કામગીરી ખૂબ જ ઓછી કિંમતે અને ઓછી જટિલતા સાથે કરી શકે છે.
અત્યાર સુધી જૂના સોફ્ટવેરને અપડેટ અને મેનેજ કરવાનું કામ ભારતીય આઈટી કંપનીઓની કમાણીનો મોટો હિસ્સો રહ્યો છે. હવે રોકાણકારોને ચિંતા છે કે જો એઆઇ આ કામ સસ્તામાં અને ઝડપથી કરવા લાગશે, તો ભારતીય કંપનીઓના રેવન્યુ (આવક) અને માર્જિન પર સીધી અસર પડશે.
આ ઘટનાક્રમ વચ્ચે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ એ આઈટી સેક્ટર માટે ચેતવણી આપી છે. જેફરીઝે કહ્યું કે એઆઇના કારણે આઈટી સેક્ટરમાં મોટા પાયે માળખાકીય ફેરફારો આવી શકે છે. મેનેજ્ડ સર્વિસીસનું કામ ઘટી શકે છે.
બીજી તરફ, બ્રોકરેજ ફર્મ CLSA એ થોડું સંતુલિત વલણ અપનાવ્યું છે. તેમનું માનવું છે કે એઆઇને લગતી ચિંતાઓ થોડી વધારે પડતી આંકવામાં આવી રહી છે. તેમના મતે હજુ સુધી ક્લાયન્ટના ખર્ચ કે ડીલના સ્ટ્રક્ચરમાં કોઈ મોટો ફેરફાર દેખાયો નથી. બીજી તરફ સોના-ચાંદીમાં પણ આંશીક વધારો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ 1 હજાર રૂપિયા વધીને 266220 જોવા મળી રહ્યો હતો. રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 274750 જોવા મળી રહ્યો છે. બીજી તરફ સોનામાં 900 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ સોનાનો ભાવ વાયદા બજારમાં 160700 જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 164300 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 5170 ડોલર, ચાંદી 88 ડોલર જોવા મળી રહી છે.
કયા શેરોમાં સૌથી મોટો કડાકો?
HCL Technologies: શેર 3.9% તૂટીને 1,370 રૂૂપિયા પર પહોંચી ગયો.
Infosys: ઈન્ફોસિસના શેરમાં 3.5% નો ઘટાડો થયો અને તે 1,281.5 રૂૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
TCS: દેશની સૌથી મોટી આઈટી કંપની TCSનો શેર 3.1% ઘટીને 2,592.5 રૂૂપિયા થયો.
Tech Mahindra: આ શેર પણ 2.8% ના ઘટાડા સાથે 1,400 રૂૂપિયા પર જોવા મળ્યો.
Wipro: વિપ્રોના શેરમાં 2.7% નો ઘટાડો થયો અને ભાવ 200.2 રૂૂપિયા પર આવી ગયો.
LTIMindtree: નિફ્ટીની બહારની કંપની એલટીઆઈ માઈન્ડટ્રી પણ 2.4% ઘટીને 4,716 રૂૂપિયા પર આવી ગઈ.
