વેરાવળના ભીડીયા વિસ્તારમાં છાશવારે ગટરના પાણીનો ભરાવો થવા ના કારણે ગટર પાણી ચોતરફ ફરી વળે છે. ગટરના પાણી ભરાવાના કારણે રહીશો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે. ગટરની સમસ્યા માટે વારંવાર રજૂઆત કરવા છતા પણ કાયમી ધોરણે સમસ્યાનો ઉકેલ આવે તે માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. થોડા સમય માટે કામગીરી કરી તંત્ર સંતોષ માની લે છે. અને ફરી સમયાંતરે ગટરના પાણી સમસ્યા ઉદ્દભવતી રહે છે.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં.4 માં આવેલ ભીડીયા વિસ્તારમાં સરકારી કુમાર શાળાની સામે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીના ભરાવાના કારણે ચારે બાજુ ગટરનું સામ્રાજ્ય છવાય જાય છે. તાજેતરમાં અહીંયા ગટરનું પાણી ભરાઈ જવાના કારણે નાના બાળકોને શાળાએ જવા માટે ગટરના પાણીમાંથી પસાર થઈને જવાની નોબત આવી હતી. નાના બાળકો જીવના જોખમે ગટરના પાણીમાંથી પસાર થઈ શાળાએ પહોંચે છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ ગટર માંથી નાના બાળકો પસાર થાય છે ત્યારે કોઈપણ પ્રકારની જાનહાની થાય તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ર્ન ઉદભવેલ છે.
ગટરનું પાણી ચારેય બાજુ ફરી વળતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. અહીંયા વારંવાર ગમે ત્યારે ગટર ઉભરાવવાના કારણે ગંદકી નું સામ્રાજ્ય છવાય થવાની માથું ફાડી નાખે તેવી સતત દુગર્ધ આવે છે. જેના પરિણામે રહીશોને ઘરની અંદર રહેવું મુશ્કેલ બની જાય છે. ઘર પાસે ફળીયામાં અને રોડ પર એટલી હદે ગટરનું પાણી વહેતુ હોવાના કારણે ઘરની બહાર નીકળી મુશ્કેલ બને છે. ગટરના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગ થવાની ભીતિ રહે છે. રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા પણ કાયમી ધોરણે આ સમસ્યા હલ કરવામાં આવે તેવી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. બોલવામાં શુરા અમલમાં અઘુરા જવાબદારી માત્ર ખોટા વચન આપે છે. કાયમી માટે આ પ્રશ્નનો નિકાલ થાય તેવી લોકમાંગ છે.
