મોરબી કલેકટર કચેરીમાં ખેડૂતોનો મોરચો, 10 હજાર લોકો ઉમટ્યા

મોરબી કલેકટર કચેરી દ્વારા વીજ લાઇનના વળતર માટે હજારો ખેડૂતોને MRC કમિટી માટે બોલાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે જેતપર, પીપળીયા, રાપર, સોખડા,…

મોરબી કલેકટર કચેરી દ્વારા વીજ લાઇનના વળતર માટે હજારો ખેડૂતોને MRC કમિટી માટે બોલાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે જેતપર, પીપળીયા, રાપર, સોખડા, વાઘપર સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કલેકટર કચેરી ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અલગ અલગ ગામના ખેડૂતો માટે બેઠકનો સમય ફાળવવામાં આવ્યો છે.

ખેડૂત આગેવાન નેહુલભાઈ અમૃતિયાના જણાવ્યા અનુસાર, ખેડૂતો MRC કમિટીની બેઠકમાં બેસવા કે કમિટી બનાવવા બિલકુલ સહમત નથી. તેઓનું કહેવું છે કે 4/7 નો પરિપત્ર કાયદા વિરુદ્ધ છે અને 14/7 ના રોજ કલેકટરને પદયાત્રા સ્વરૂૂપે આવેદનપત્ર આપીને માંગણી રજૂ કરવામાં આવી હતી. જ્યાં સુધી આ પરિપત્ર રદ ન થાય અને માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતો કમિટીમાં બેસવાની સ્પષ્ટ ના પાડી રહ્યા છે અને ખેડૂતો માત્ર તેમની માંગણી સંતોષાય તેમ ઈચ્છી રહ્યા છે.

કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગેટ એ તથા સી બંધ કરી માત્ર ગેટ બી ખુલ્લો રાખવામાં આવ્યો છે. ખેડૂતોની સુવિધા માટે ટંકારા, હળવદ, માળિયા અને મોરબી ગ્રામ્ય માટે અલગ અલગ હેલ્પડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે. સવારે 10 થી 12 વાગ્યાના સમયગાળામાં 823 જેટલા ખેડૂતોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જો ખેડૂતો બેઠકમાં હાજર ન રહે અથવા સહમત ન થાય તો તંત્ર પોતાની રીતે કમિટીની રચના કરી દેશે તેવી વાત સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકો પણ જોડાયા છે. મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાનું કામકાજ મૂકીને, બાળકોને શાળાએથી રજા રખાવીને પોતાના હક માટે લડવા આવ્યા છે. ખેડૂતો 10000 જેટલા ફૂડ પેકેટ સાથે બસો અને રિક્ષા જેવા વાહનો ભરીને આવ્યા છે અને સાથે જમવાનું તથા ખાટલા પણ લઈને આવ્યા છે. જો તંત્ર તેમની વાત નહીં સાંભળે અને ન્યાય નહીં મળે તો તેઓ કલેકટર કચેરી ખાતે જ પડાવ નાખવાની તૈયારી સાથે આવ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

કૃષિમંત્રીએ આપેલી ખાતરીનું પાલન કરો

કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા 4-7 નો પરિપત્ર જાહેર કરી ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોને પ્રતિનિધિત્વ મળશે અને ખેડૂત પોતે પોતાની જમીનનું મૂલ્ય નક્કી કરવામાં સામેલ રહેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની ગેરહાજરીમાં જમીનનું મૂલ્યાંકન કરી લેવાની વાત કયા કાયદા અંતર્ગત કરવામાં આવી રહી છે તેનો લેખિત ખુલાસો કરવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખશે અને આગામી સમયમાં સમાજની માતૃ સંસ્થાઓ પાસેથી પણ સહયોગ મેળવી ન્યાય માટે લડત લડશે. કલેક્ટર દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે લેખિત જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. આ સાથે જ તંત્ર તરફથી જણાવાયું હતું કે નોટિસનો ઉદ્દેશ ખેડૂતોને એક મંચ પર બોલાવી સાંભળવાનો હતો. જો ખેડૂતોને સમય ઓછો પડ્યો હોય તો 14 દિવસનો વધારાનો સમયગાળો પણ આપવામાં આવશે અને ફરીથી તક અપાશે. કલેક્ટર તરફથી ખાતરી મળ્યા બાદ તમામ ખેડૂતો વાંધા સૂચનો જમા કરાવ્યા બાદ કલેક્ટર કચેરીથી શાંતિપૂર્ણ રીતે રવાના થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *