GSPL ગેસ પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો મોરચો

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના 39 ગામોના ખેડૂતો દ્વારા પાઇપલાઇન કામગીરી સ્થગિત રાખવા કલેક્ટરને આવેદન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.એસ.પી.એલ. કંપની દ્વારા ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણથી દ્વારકા…

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 39 ગામોના ખેડૂતો દ્વારા પાઇપલાઇન કામગીરી સ્થગિત રાખવા કલેક્ટરને આવેદન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.એસ.પી.એલ. કંપની દ્વારા ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણથી દ્વારકા નજીકના પાડલી ગામ સુધી પ્રસ્તાવિત ગેસ પાઇપલાઇનની કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ સતત વધી રહ્યો છે. જિલ્લાના આશરે 39 ગામોના ખેડૂતો તેમજ વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનો ગઈકાલે મંગળવારે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
આ મુદ્દે ખેડૂતોએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે ગેસ પાઇપલાઇનની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ જમીન માલિકોને અગાઉથી કોઈ લેખિત જાણ કે નોટિસ આપવામાં આવી નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેતી અને ખેડૂતોના હિતોને નુકસાન પહોંચવાની શક્યતા ઊભી થઈ છે.

આ આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને કાયદેસર અને યોગ્ય વળતર નક્કી કરવામાં ન આવે તેમજ તેમની રજૂઆતોનો યોગ્ય નિકાલ ન થાય, ત્યાં સુધી પાઇપલાઇનની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે. આ ઉપરાંત જમીન સંપાદન અને વળતરની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. સમગ્ર મુદ્દે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆત સ્વીકારી નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાણીના પ્રશ્ર્ને લાલપુર-જામજોધપુરમાં ખેડૂતો-માલધારીઓની જનઆક્રોશ રેલી
લાલપુર અને જામજોધપુર તાલુકાના ખેડૂતો તથા માલધારીઓએ સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડોની માંગ સાથે 22 જુલાઈના સવારે 10:00 વાગ્યે તાલુકા પંચાયત કચેરી, લાલપુર ખાતે જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું છે. રેલીમાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવા, માલધારીઓ અને પશુપાલકોને ઘાસનું તાત્કાલિક વિતરણ કરવા તેમજ સૌની યોજનાના નવા વાલ્વ માટે તાત્કાલિક સર્વે હાથ ધરવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવશે. આયોજકોએ ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ પોતાની માંગણીઓને બુલંદ અવાજ આપવા ધારાસભ્યએ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *